પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના પાંચમા દિવસે લોકોનો મળવાનો પ્રવાહ જારી રહ્યો હતો અને રાજયમાં વિવિધ સ્થળે તેના સમર્થનમાં પ્રતિક ઉપવાસ પણ કરાયા હતા. મેડીકલ ચેકઅપમાં કુલ દોઢ કિલો જેટલા વજનમાં ઘટાડો થતા અને ચાલવામાં તકલીફ જણાતા તબીબો દ્વારા તેને પુન: હોસ્પિટલમાં દાખલ થવાની સૂચના અપાઇ છે. જો કે તબીબોએ મેડીકલ અપડેટ અને રિપોર્ટ ન આપતા વિવાદ થવા પામ્યો છે અને પાસ દ્વારા હવે ખાનગી તબીબ પાસે પણ પરીક્ષણ કરાવવાનો નિર્ણય કરાયો છે. હાર્દિકે તેના ઉપવાસ સ્થળે લોકોને અટકાવાતા હવે તમારા ઘરમાં કોણ આવશે તે પણ ભાજપ અને પોલીસ નક્કી કરશે તેવો સવાલ કરતા આકરા પ્રહાર જારી રાખ્યા હતા.
હાર્દિકનું સોલા સિવિલના તબીબોએ તબીબી પરીક્ષણ કર્યા બાદ બ્લડ પ્રેશર અને સુગર તથા બાકીના રિપોર્ટ નોર્મલ હોવાનું જણાયું હતું. બુધવારે વધુ વજન ઘટતા વધુ પ્રવાહી લેતા હોસ્પિટલમાં દેખરેખ હેઠળ દાખલ થઇ જવું જોઇએ તેમ જણાવ્યું હતું. જો કે પાસના પ્રવક્તા નિખિલ સવાણી દ્વારા એવો દાવો કરાયો હતો કે, મંગળવારે તબીબોએ બ્લડ સેમ્પલ લીધું હતું તેનો રિપોર્ટ ના અપાતા તેમજ મેડીકલ અપડેટની કોપી ન અપાતા ખાનગી ડોકટરને બોલાવીને ફરી બ્લડ અને યુરિન સેમ્પલ લેવડાવી હાર્દિકનું તબીબી પરીક્ષણ કરાશે.
પોલીસ દ્વારા મુલાકાતીઓને અટકાવવાનો સિલસિલો ચાલુ રહેતા હાર્દિકે કટાક્ષમાં કહ્યું હતું કે, બંધારણમાં નવી કલમ સામેલ કરાઇ હોય તેમ તમારા ઘરમાં કોણ આવશે કે નહીં આવે તેનો ફેંસલો હવે પોલીસ અને ભાજપ કરશે તેવું પાંચ દિવસની સ્થિતિ પરથી દેખાઇ આવ્યું છે. હાર્દિકે એવો દાવો કર્યો હતો કે, મને મળવા આવેલા ૬૦ હજાર લોકોમાંથી મારા સુધી ફક્ત ૧૧૦૦ લોકોને જ પહોંચવા દેવાયા છે. ભાજપ અને પોલીસ તમામ હદ વટાવી રહી છે.
હાર્દિકના સમર્થનમાં ગાંધીનગરના ચંદ્રાલા ગામ, માણસા, પાટણ, માળીયા હાટીના, બાયડના અરજણવાવ ગામ, સુરત, ધારીના છતડીયા વિગેરે સ્થળોએ પ્રતિક ઉપવાસ અને દેખાવો કરાયા હતા.