અમદાવાદ ખાતે 25મી ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી રેલી ખાતે ક્રાંતિ રેલી બાદ ભડકેલી હિંસા બાબતે પાસ નેતા હાર્દિક પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ મામલે આજે સીટી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. આ પ્રક્રિયા દરમિયાન હાર્દિક પટેલ કોર્ટમાં ગેરહાજર રહ્યો હતો. આ કેસની વધુ સુનાવણી હવે 14મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. 14મી તારીખે આ કેસમાં તમામ આરોપીઓને હાજર રહેવાનો કોર્ટે આદેશ કર્યો છે.
રાજદ્રોહના કેસમાં આજે હાર્દિકને બાદ કરતા ચીરાગ અને દિનેશ કોર્ટમાં હાજર રહ્યો હતા. ગત સુનાવણી વખતે કોર્ટે હાર્દિક પટેલને ફરજિયાત હાજર રાખવાનો આદેશ કર્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટેમાં જણાવ્યું હતું કે હાર્દિક દર વખતે સામાજીક કારણ આપીને ગેરહાજર રહે છે. આ વખતે ઉપવાસના બહાને તે કોર્ટમાં હાજર નથી રહ્યો. ગમે તેવી પરિસ્થિતિમાં હાર્દિકે કોર્ટના આદેશ બાદ હાજર રહેવું જોઈએ. આ કોર્ટના આદેશનો અનાદર છે. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે ઉપવાસ પર બેસે તે વાત ઠીક છે પરંતુ કોર્ટમાં હાજર કેમ નથી રહ્યો. સુનાવણી દરમિયાન હાર્દિકના વકીલે દલીલ કરી હતી કે હાર્દિક નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર છે.
અલ્પેશ કથીરિયાએ કરી જામીન માટે અરજી
રાજદ્રોહના કેસમાં પોલીસે તાજેતરમાં જ પાસ નેતા અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી છે. આ મામલે અલ્પેશ કથીરિયાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. કોર્ટમાં અરજી રજૂ કરતા અલ્પેશના વકીલે રજુઆત કરી હતી કે અલ્પેશ સામે રાજદ્રોહનો કોઈ કેસ બનતો નથી. કારણ કે તેણે ક્યારેક ભડકાઉ ભાષણ આપ્યું નથી. અલ્પેશ સામે ફરિયાદ થયા બાદ તે ક્યારેય ભાગ્યો નથી.