હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે અને હાર્દિક શારીરિક રીતે વધુને વધુ કમજોર થઈ રહ્યો છે. છ દિવસમાં સાડા ચાર કિલો વજન ઘટી ગયુ છે. અત્યારસુધી અન્નનો ત્યાગ કરીને માત્ર લિકવીડ પર ઉપવાસ કરી રહેલા હાર્દિકે આજથી જળનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિકની તબિયત લથડતા તેને ગમે તે ઘડીએ પોલીસ હોસ્પિટલ લઇ જાય તેવી પણ શક્યતા છે.
મહત્વનુ છે કે બુધવારે સોલા સિવિલના તબીબો દ્વારા બે વાર ચેકિંગ બાદ હાર્દિકે અસંતોષ વ્યકત કર્યો હતો. બાદમાં ખાનગી તબીબ પાસે હેલ્થ ચેકિંગ અને અન્ય ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં ગઇકાલ સુધી બ્લડ રિપોર્ટ અને યુરિન નોર્મલ હતું. જ્યારે આજે સીરમ એસીટોમનું પ્રમાણ વધ્યુ છે. હાર્દિકે પાણીનો ત્યાગ કરતા તેના શરીર હાનિકારક હોવાનું ડોકટરે જણાવ્યુ છે. ડોકટર્સના કહેવા મુજબ તેના કિડની અને હદય પર અસર થઇ શકે છે.શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
અમદાવાદમાં હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને રાજ્યભરમાંથી પાસ આગેવાનો સમર્થન કરી રહ્યા છે.ત્યારે આજે હાર્દિક પટેલના દાદા વતનમાંથી હાર્દિક સાથે મુલાકાત કરવા માટે અમદાવાદમાં આવ્યા હતા.અને હાર્દિક પટેલા સાથે મુલાકાત કરી હતી.
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં રાજકીય પક્ષોના આગેવાનોની મુલાકાતનો દોર યથાવત છે. દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કર્નલ દેવેન્દર શેરાવતે ઉપવાસ છાવણીમાં પહોંચી હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. જોકે, તેમણે પાર્ટી તરફથી નહી, પરંતુ હું વ્યક્તિગત રીતે અમને સમર્થન આપવા આવ્યો હોવાનું કહ્યુ હતું. તો સાથે જ પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે.અને સૈનિક પણ રહી ચુક્યા છે. હાર્દિક હંમેશા ખેડૂતોની વાત કરે છે. તેમ કહીને વ્યક્તિગત સમર્થન આપવા આવ્યો હોવાનું કહ્યુ હતુ. હાર્દિકની ઉપવાસ છાવણી સુધી પહોંચતા જોવા મળેલા સઘન બંદોબસ્ત પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, સમગ્ર બંગલાની કિલ્લેબંધી કરાઈ છે.સરકાર પ્રશાસનનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે.
હાર્દિક પટેલના ઉપવાસને કોંગ્રેસે સમર્થન આપ્યુ છે.ત્યારે આજે પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હાર્દિક પટેલની ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા.અને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો હતો કે, હજુ પણ હાર્દિક પટેલના નિવાસ સ્થાન બહાર પોલીસની કિલ્લેબંધી જોવા મળી રહી છે.શાકભાજી સહિતનો માલસામાન પણ લઈ જવા દેવાતો નથી.