છેલ્લા 24 કલાકમાં હાર્દિકની હાલત વધુ બગડી, બ્લડ-યુરિનના સેમ્પલ આપવા કર્યો ઈન્કાર

અમદાવાદઃ પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. તેણે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું છે, જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 77.800કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે 5.900 કિલો ઘટીને 71.900 કિલો ગ્રામ થયું છે.

હાર્દિકનું ટ્વિટ, અન્ન-જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, જોઉં છું સરકાર જીતશે કે મહાત્મા

31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.

હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું, બ્લડ-યુરિનના સેમ્પલ આપવા કર્યો ઈન્કાર

હાર્દિકના ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, બ્લડ-યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે, પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે. બ્લડ-સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવામાં આવ્યા હોવાથી ફેરફાર શક્ય છે. ગઈકાલ કરતા આજ(31 ઓગસ્ટ)ના વજનમાં 900 ગ્રામનો તફાવત આવ્યો છે. હાલ હાર્દિકનું વજન 71 કિલો અને 900 ગ્રામ છે. અમે એમને હજી પણ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી રહ્યા છીએ અને લિકવિડ તથા અનાજ પણ પેટમાં જવું જરૂરી છે. પાણી બંધ કરવાથી શ્વાસ અને હૃદયના ધબકારામાં પણ ફેરફાર આવી શકે.

સરકારને કંઈક સુઝે એવી પ્રાર્થના કરીયેઃ કળસરિયા

આજે હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઈ કળસરિયા પહોંચ્યા હતા.

નજરકેદ કરવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી

આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. શુક્રવારે હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ આ અરજી નોટ બિફોર મી કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી કરવામાં આવશે. અરજીમાં આક્ષેપ લગાવવામં આવ્યો છે કે પોલીસ હાર્દિકના ઘરે જીવન જરૂરી સામાન પણ પહોંચવા નથી દેતી. દૂધ-શાકભાજી, પાણી સહિતની વસ્તુઓ પોલીસ અટકાવી રહી છે. આ ઉપરાંત હાર્દિકને મળવા આવતા લોકોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે.

તબિયતનું કારણ આપી રાજદ્રોહના કેસમાં હાર્દિક રહ્યો ગેરહાજર

શુક્રવારે સિટી સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હોવાથી ચાર્જ ફ્રેમની કાર્યવાહી વિલંબમાં પડી હતી. ગત મુદતે કોર્ટે હાર્દિકને ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. હવે આ કેસમાં આગામી કાર્યવાહી 14મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. હાર્દિકના વકીલે ઉપવાસનું બહાનું કાઢ્યું હતું. આ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક દર વખતે સામાજિક કારણો અપીને કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેતો નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top