અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 10મો દિવસ છે. તેના ઉપવાસના 11મા દિવસે ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જશે. સાથે જ સરકારે નિર્ણય કર્યો છે કે હાર્દિકના નિવાસ છત્રપતિ નિવાસે એક આઈસીયુ ઓન વ્હિલ ચોવીસે કલાક રહેશે.
હાર્દિકે ફરી મેડિકલ ચેકઅપનો કર્યો ઈન્કાર
આજે ફરીવાર સાંજે હાર્દિકના ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો પ્રદીપ પટેલ ટીમ સાથે હાર્દિક પાસે પહોંચ્યા હતા. પરંતુ હાર્દિકે કોઈપણ જાતના મેડિકલ ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સવારે પણ તેણે સોલાની મેડિકલ ટીમને ચેકઅપ કરવા દીધું ન હતું અને ટીમને રવાના કરી દીધી હતી.
ચોવીસે કલાક આઈસીયુ ઓન વ્હિલ રહેશે તહેનાત
ઉપવાસી હાર્દિકની સ્થિતિ કથળી રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને આખરે સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે. તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.
પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા મધ્યસ્થી કરી ને આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ સરકાર સાથેની વાટાઘાટોમાં હાર્દિકના બે મુદ્દા તાત્કાલિક અસરથી ઉકેલાય તેવા ન હોવાથી માત્ર ખાતરી અને વચનોથી હાલ પૂરતું ઉપવાસ આંદોલન સમેટી લેવું પડે તેવી સ્થિતિ સર્જાશે. ત્યારે સરકારની ફોર્મ્યુલા કેવી હોઈ શકે છે. કેન્દ્રની મધ્યસ્થીથી કેવી રીતે ઉકેલ આવે શકે છે.
પાટીદાર અનામત
હાર્દિક પટેલની બે માગણીઓ પૈકી પ્રથમ માગણી પાટીદારોને અનામત આપવાની છે, પરંતુ બંધારણીય રીતે ગુજરાત સરકારના હાથમાં આ માંગણીનો ઉકેલ નથી. પરિણામે જો સમાધાનની ફોર્મ્યુલા ઘડાય તો તેમાં અનામત અંગે ગુજરાત સરકાર વિધાનસભામાં ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલે અથવા તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અનામત અંગેનો ઠરાવ કરી કેન્દ્રીય મંત્રીમંડળને મોકલવામાં આવે અથવા તો સુપ્રીમ કોર્ટમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવે.
ખેડૂતોના દેવા
હાર્દિક પટેલની બીજી માંગણી ખેડૂતોના દેવા માફીની છે આ મુદ્દે પણ કેન્દ્ર સરકારે સીધી દરમિયાનગીરી કરવી પડે તેવી સ્થિતિ છે. તેથી ખેડૂતોના દેવા માફીના મુદ્દે પણ સમાધાનમાં ગુજરાત સરકાર વતી કેન્દ્ર સરકારને ખેડૂતોના દેવા માફી અંગે રજૂઆત કરવામાં આવે અને કેન્દ્ર પાસેથી ખેડૂતો અંગેની સહાય મળ્યા બાદ ગુજરાત સરકાર આ ખેડૂતોના દેવા માફી નો નિર્ણય લઈ શકે છે.
રાજ્ય સરકાર માત્ર રજૂઆત જ કરી શકે
આમ છેલ્લા દસ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની બંને માગણીઓ સીધી જ કેન્દ્ર સરકારને સ્પર્શતી હોવાથી ગુજરાત સરકાર માત્ર રજૂઆતો અને કેન્દ્રમાં ઠરાવ કરીને મોકલી શકે છે