લાઠીચાર્જ થતાં સરકારને ઊંઝા ઉમિયા માતા સંસ્થાનની ચીમકી, અમારી શક્તિને ઓછી ન આંકે

અમદાવાદ: હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ત્યારે તેણે જળગ્રહણ કરતાં હિંમતનગરના ગઢોડાથી અમદાવાદના સોલા ઉમિયા માતાજી મંદિરે બાધા પૂરી કરવા રવિવારે એક હજાર પાટીદારો માતાજીનો રથ લઈને નીકળ્યા હતા. પરંતુ પરવાનગી ન લીધી હોવાથી પોલીસે રથ ડિટેઈન કરીને લાઠીચાર્જ કર્યો હતો અને પદયાત્રીઓની અટકાયત કરી હતી. જેને પગલે ઊંઝા ઉમિયા માતા સંસ્થાન નારાજ થયું હતું અને સરકારને ચીમકી આપી હતી કે સરકાર અમારી શક્તિને ઓછી આંકે નહીં.

લાઠીચાર્જ કરનાર સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાએ વિચારવું પડશે

પગપાળા અમદાવાદ સોલા મંદિરે મા ઉમાનો રથ લઈને જતાં પાટીદાર પદયાત્રી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ પદયાત્રીઓની અટકાયત કરીને રથને ડિટેઈન કર્યો હતો. જેને પગલે ઉમિયા માતા સંસ્થાન ઊંઝાએ સરકારને ચીમકી આપી હતી કે ,પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.

પોલીસે 25 મહિલાઓ સહિત 50 પાટીદારોને રથ સાથે ડિટેઈન કર્યા હતા

હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય અને પાણીગ્રહણ માટે રાખેલી બાધા પૂરી કરવા રવિવારે સવારે હિંમતનગર તાલુકાના 1000થી વધુ પાટીદારો મા ઉમાનો રથ લઇ હિંમતનગરના ગઢોડાથી અમદાવાદના સોલા ઉમિયા માતાજી મંદિરે જવા રવાના થયો હતો. ત્યારે ગઢોડાથી દોઢ કિમી દૂર પોલીસે રથને અટકાવી હળવો લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી ગઇ હતી. મહિલા સહિતના પદયાત્રીઓએ મારથી બચવા ખેતરોમાં દોટ મૂકી હતી. પોલીસે 25 મહિલાઓ સહિત 50 પાટીદારોને રથ સાથે ડિટેઈન કરી હિંમતનગર પોલીસ હેડ ક્વાર્ટર લઇ જવાયા હતા અને 9 કલાક બાદ છોડાયા હતા.

હાર્દિકે પાણી પીતા 15 ગામના પાટીદારો અમદાવાદ જતા હતા

હાર્દિકનું સ્વાસ્થ્ય સારું રહે તથા પાણીગ્રહણ કરે તે માટે રાખેલી સોલા મંદિરે દર્શન કરવાની બાધા પૂરી કરવા રવિવારે સવારે હિંમતનગર તાલુકાના ગઢોડા ખાતે હડિયોલ, આકોદરા, ઠુમરા, દલપુર, વામોજ, સુરજપુરા, બેરણા, જાબુડી, રામપુર, કડોલી, પ્રેમપુર, જીવાપુર, છાદરડા, આરસોડા સહિતના 15 ગામના પાટીદારો એકઠા થયા હતા.

10 વાગે રથ લઈને 1000થી વધુ પાટીદારો નીકળ્યા હતા અને માંડ દોઢ કિમી આગળ જતાં એલસીબી, એસઓજી, ક્યુઆરટી, હેડ ક્વાર્ટર સહિતના પોલીસ કાફલાએ રથ રોકીને મંજૂરી અંગે પૂછપરછ કરતાં પાટીદારો રોડ પર બેસી ગયા હતા અને મામલો ગરમાતાં પોલીસે પાટીદારોને ઉભા કરવા લાઠીચાર્જ શરૂ કરતાં મહિલાઓ સહિતના પાટીદારો ખેતરોમાં દોટ મૂકી હતી. આ દરમિયાન સવારે 10.30 જાગે 25 મહિલા અને 25 પુરુષ મળી 50ને ડિટેઇન કરી હેડ ક્વાર્ટર લઇ લવાયા બાદ સાંજ 8 વાગ્યા સુધી બેસાડી રખાયા હતા. પાટીદારોને અટકાવવાની પોલીસની કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here