સુરતઃ છેલ્લા 12 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ અને રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાયેલા અલ્પેશ કથિરિયાના સમર્થનમાં આજે સુરતમાં પાટીદાર યુવકોએ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા અને ત્રણ યુવકોની અટકાયત કરી હતી.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) તરફથી ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે એટલે કે ગુરુવારે પાસના સભ્યો તેમજ ખેડૂત સમાજના આગેવાનો ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યોને ફોન કરીને ખેડૂતોના દેવામાફી તેમજ પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ કે નહીં તે અંગે પ્રશ્નો પૂછશે.
હાર્દિકે જળત્યાગ કરવાની આપી ચીમકી
બુધવારે પાસ તરફથી એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર આગામી 24 કલાકમાં પાસના પ્રતિનિધિઓ સાથે વાતચીત નહીં કરે તો હાર્દિક ફરી જળનોત્યાગ કરશે. પાસ તરફથી મનોજ પનારાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જો સરકાર તેમને આમંત્રણ આપશે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. સાથે જ મનોજ પનારાએ એવું પણ કહ્યું હતું પાટીદાર સમાજની છ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓએ તેમની સાથે કોઈ જ વાતચીત કરી નથી. પાટીદાર સમાજની છ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિ સી.કે.પટેલના નિવેદન અંગે ખુલાસો આપતા પાસ તરફથી આવું નિવેદન કરવામાં આવ્યું હતું.
બુધવારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિતના કોંગ્રેસના આગેવાનોએ હાર્દિકની મુલાકાત લીધી હતી
પાસે ત્રણ કાર્યક્રમો આપવાની કરી જાહેરાત
ગુરુવારે ગુજરાતના 182 એમએલએ, 26 સાંસદ અને ગુજરાતના તમામ રાજ્ય સભાના મેમ્બરોને પાસ અને ગુજરાતનો ખેડૂત સમાજ ફોન કરીને ખેડૂતોના દેવા માફીમાં સહમત છો કે નહીં, પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તે બે મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવશે. આ જવાબને રેકોર્ડ કરીને હાર્દિક પટેલ સુધી પહોંચાડવામાં આવશે. પાસ તરફથી તમામ ધારાસભ્યો અને સાંસદોને ફોન ચાલુ રાખવાનું કહેવામાં આવ્યું છે. પાસના જણાવ્યા પ્રમાણે જો ધારાસભ્યો અને સાંસદો ફોન બંધ રાખશે તો એવું માની લેવાશે કે તેઓ ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજાને અનામતનું સમર્થન નથી કરી રહ્યા.
શુક્રવારે એક ફોર્મ લઈને ગુજરાતના તમામ 182 ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના મેમ્બરોના ઓફિસ અને ઘરે પાસના કાર્યકરો પહોંચશે. જેમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ અંગે તેઓ સહમત છે કે નહીં તેની સહિ લેવામાં આવશે. જો કોઈ ફોર્મ પર સહિ આપવાનો ઇન્કાર કરશે તો એવું માની લેવામાં આવશે કે તેઓ હાર્દિક સાથે સહમત નથી.
રવિવારના રોજ પાટણથી મા ખોડના મંદિરથી ખેડૂત સમાજ ઉમા-ખોડલનો રથ લઈને ઉંઝા ધામમાં આવશે. આ રથ પાટણથી પગપાળ ઉંઝા આવશે. રસ્તામાં આવતા તમામ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો રથનં સ્વાગત કરશે. આ રથ ઉંઝા પહોંચ્યા બાદ હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ભગવાને સરકારે સદબુદ્ધિ આપે અને પાટીદારોને અનામત મળે તે માટે પાર્થના કરવામાં આવશે.