AhmedabadCentral GujaratGujaratNews

ઉપવાસના 13માં દિવસે હાર્દિક પટેલ વ્હીલચેર પર આવી ગયો, જુઓ તસવીરો

હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદની જરૂર પડી હતી. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું છે.

અમદાવાદઃ ઉપવાસના 13માં દિવસે હાર્દિક પટેલની તબિયત વધારે લથડી છે. સતત ઉપવાસને કારણે હાર્દિકની તબિયત એટલી લથડી છે કે હવે તેને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડી રહી છે. ગુરુવારે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે હાર્દિકને ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવ્યો હતો. હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદની જરૂર પડી હતી. સતત ઉપવાસને કારણે 12 દિવસમાં હાર્દિક પટેલનું વજન 12 કિલોગ્રામ ઘટી ગયું છે.

હાર્દિકે જળત્યાગની આપી ચીમકી

સતત 12 દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતા પાસ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સરકાર કોઈ વાતચીત નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે. આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું.

20 કિલોગ્રામ વજન ઘટ્યાના અહેવાલ વહેતા થયા હતા :

હાર્દિકના ઉપવાસના 11માં દિવસે હાર્દિકના વજનને લઇને ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. 11 દિવસોમાં હાર્દિક પટેલનું વજન 20 કિલો ઘટવાની વાતથી જ હાર્દિક અંગે વધારે ચિંતાઓ પ્રવર્તિ રહી હતી. જોકે, આ અંગે એક પ્રશ્ન એ પણ થાય કે શું ખરેખર 11 દિવસમાં કોઇપણ વ્યક્તિનું વજન 20 કિલો જેટલું ઘટી શકે ખરા? આ અંગે સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમની પોલંપોલ આજે ખુલી હતી.

ડોક્ટરની ટીમ દ્વારા બુધવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે તેનું વજન પણ કરાયું હતું. જેમાં વજન 66 કિલો નોંધાયું હતું. એટલે 12 દિવસમાં હાર્દિકનું વજન 12 કિલો ઘટ્યું છે. જ્યારે મેડિકલ ટીમ દ્વારા મંગળવારે સવારે હાર્દિક પટેલના કરેલા વજન પ્રમાણે તેનું વજન 58.3 કિલો નોધાયું હતું. એટલે કે હાર્દિકના વજન માપવા અંગે ડોક્ટરોની ટીમમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે.

હાર્દિક પટેલના વજનમાં આટલો મોટો તફાવત અંગે ડોક્ટરને પૂછતા ડોક્ટરે ટેકનિકલ ભૂલનું કારણ સામે ધર્યું હતું. વજન કરતી વખતે હાર્દિક પટેલ વજનકાંટા ઉપર સરખી રીતે ઊભા ન રહ્યા હોવાથી વજનમાં આટલો તફાવત આવ્યો હોવાનું ડોક્ટરોએ કારણ આપ્યું હતું.

સરકાર નિર્ણય નહીં લે તો હાર્દિક જળત્યાગ કરશે

જો સરકાર બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લે તો હાર્દિક પાણીનો ત્યાગ કરશે અને જે પરિણામ આવશે તેના માટે સરકાર જવાબદાર રહેશે. હાર્દિકની માંગ ગુજરાતના બેરોજગાર યુવાનો અને ખેડૂતોના માથે ચડી ગયેલા વાળ જેટલાં તોતિંગ દેવાના અનુસંધાન છે. છતાં ય સરકાર આવી જ નિંભરતા દાખવશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે

PAASની નવી જાહેરાતથી BJPના ધારાસભ્યો અને સાંસદો ટેન્શનમાં

પાટીદાર સમાજની 6 સંસ્થાઓ દ્વારા સરકાર સાથે મંત્રણા બાદ હાર્દિકને પારણા કરવા માટે કહેવામાં આવતા PAAS દ્વારા માંગ પૂરી ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે, તેવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

ભાજપ ચિંતામાં

આ સિવાય PAASએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના નેતાઓને ટેન્શનમાં મૂકી દીધા છે. PAASની ટીમ દ્વારા આવતીકાલથી રાજ્યના તમામ ધારાસભ્ય,સાંસદોને ફોન કરવામાં આવશે અને તેમને પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરવા અંગે સવાલ પૂછવામાં આવશે અને આ ફોન કોલનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. એટલે પાટીદાર નેતાઓ ધરમસંકટમાં મૂકાવાના છે, તે પાક્કું છે.

જાણો શું કહ્યું હતું મનોજ પનારાએ

PAAS કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે આંદોલનનાં આગામી કાર્યક્રમો અંગે માહિતી આપવા માટે દરરોજ PAASની ઓથોરાઈઝ એક પ્રેસ કોન્ફરન્સ થાય છે, જે પૈકીની આ એક પ્રેસ કોન્ફરન્સ છે. હાર્દિક પટેલ સહિત તમામ PAAS કાર્યકર્તાઓની ચર્ચામાં આંદોલનને લગતાં કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે તેની જાણ આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.

આગામી કાર્યક્રમ

PAASનાં કન્વીનર મનોજ પનારાએ આંદોલનના આગામી કાર્યક્રમો જાહેર કરતા જણાવ્યું હતું કે, તારીખ 06/09/2018ને ગુરુવારના રોજ PAAS સમિતિ અને ગુજરાતનાં ખેડૂત સમાજના લોકો ગુજરાતના 182 MLA, 26 સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ રાજ્યસભાના મેમ્બરોને ફોન કરીને ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં અને પાટીદાર સમાજને અનામત મળવું જોઈએ કે નહીં તે બાબતે સવાલ કરશે અને જે જવાબ સામેથી મળશે તેને રેકોર્ડ કરવામાં આવશે અને તેને હાર્દિકની છાવણી સુધી પહોંચાડવામાં આવશે.

નેતાઓને કરશે કોલ

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ તમામ વાતચીત શાંતિ પૂર્ણ રીતે કરીશું. મીડિયાના માધ્યમથી તમામ MP અને ધારાસભ્યેને વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે તમારા મોબાઈલ ચાલુ રાખજો, ખેડૂત સમાજે તમને વોટ અને ઘણીબધી સત્તા આપી છે એટલે તમારે જવાબ અપાવો જરૂરી છે. અમે શાંતિપૂર્ણ વ્યવહાર અને વર્તન કરીશું અને તમે પણ તમારો જવાબ શાંતિપૂર્ણ રીતે આપજો. જો તમારો મોબાઈલ બંધ હશે તો અમે એવું માનીશું કે તમે ખેડૂતોના સમર્થનમાં નથી.

ધારાસભ્યો,સાંસદોના ઘરે જશે

મનોજ પનારાએ વધુમાં કહ્યું હતું કે, તારીખ 07/09/2018ને શુક્રવારના રોજ 182 MLA, 26 સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ રાજ્યસભાના મેમ્બરોની ઓફિસે અમે એક ફોર્મ લઈને જઈશુ અને જો તે ઓફિસે નહીં મળે તો તેમના ઘરે જઈશુ અને ઘરે પણ નહીં મળે તો ગાંધીનગર તેમના નિવાસ્થાન પર જઈશુ. તમે ગુજરાતના ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેવું તમે ઈચ્છો છો? તેવા લખાણવાળું ફોર્મ આપીશું અને ફોર્મ પર તેમની સહી કરાવશું.

જો તે સહમત હશે તો સહી કરીને તેમનો અભિપ્રાય લખશે અને જે MLA અને સાંસદ સહી નહિ કરે તો અમે એવું એવું માનીશું કે તે ખેડૂતોના દેવા માફીમાં અને હાર્દિકના ઉપવાસના સમર્થનમાં નથી. આ કાર્યક્રમ બાદ અમારા પરીદાર સમાજની ધાર્મિક સંસ્થા ઊંઝા, કાગવડ, સીદસર અને ગથિલા માતાજીના ધામમાં પાટીદાર સમાજના તમામ ભાઈઓ અને બહેનો હાર્દિક પટેલના સારા આરોગ્ય અને હિટલરશાહી સરકાર સામે લડવાની શક્તિમળે તે માટે માટે માતાજીની 3 કલાક પૂજા અર્ચના અર્ને પ્રાર્થના કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker