રાજકોટ: અનામત તેમજ પાટીદારો પર થયેલા અત્યાચાર અને ખેડૂતના પ્રશ્ને આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ શુક્રવારે અમદાવાદ જશે અને હાર્દિકને સમજાવશે કે શરીર સ્વસ્થ તે રહે તે માટે પહેલા પારણાં કરી લેવા જોઈએ.
દિવ્ય ભાસ્કરની વાતચીતમાં નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે, પાસના આગેવાનો અને સરકાર જો ઈચ્છશે તો મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે. મધ્યસ્થીના મુદા શું હશે તે અંગે તેમણે કહ્યું હતું કે, હજુ સુધી કોઈ મુદા તૈયાર કરાયા નથી. પરંતુ, શુક્રવારે હાર્દિક પટેલને મળવા જઈશ અને ત્યાં જે પ્રમાણે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ શું કરવું તે અંગેનો નિર્ણય કરીશ.
સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢ ગણાતા શહેરો અને ગામડાંમાં રામધૂન, ચક્કાજામ અને બંધ સહિતના કાર્યક્રમો
હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે. આંદોલનના 13માં દિવસે તબિયત વધુ બગડી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢ ગણાતા શહેરો અને ગામડાંમાં રામધૂન, ચક્કાજામ અને બંધ સહિતના કાર્યક્રમો અપાય રહ્યા છે. સૌરાષ્ટ્રમાં દિવસે-દિવસે હાર્દિકના સમર્થનમાં આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. હવે મહિલાઓ પણ મેદાનમાં આવી રહી છે. ત્યારે ખોડલધામના પ્રણેતા અને પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવતા આગામી કલાકોમાં સારા સમાચાર સાંભળવા મળે તો ના નહીં કહેવાય.
નરેશ પટેલ શુક્રવારે જ અમદાવાદ જશે અને હાર્દિક પટેલ જ્યાં ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં જઈને સૌ પ્રથમ તો હાર્દિકને સમજાવશે કે પારણાં કરી લેવા જોઈએ. ત્યારબાદ આગળની ગતિવિધિ કરવી જોઈએ. હવે નરેશ પટેલ મેદાને આવ્યા છે ત્યારે હાર્દિક પટેલ પારણા કરી લેશે કે કેમ? કે પછી નરેેશ પટેલ સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થી બનીને કોઈ નવો જ રસ્તો અપનાવે છે તે આગામી 24 કલાકમાં સ્પષ્ટ થઈ જશે.
હાર્દિકની તબિયત લથડી રહી છે, સૌરાષ્ટ્રમાં આંદોલન વેગવંતું બન્યું
સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પાસના કાર્યકરો દ્વારા ગુરુવારે ઉપવાસ, ચક્કાજામ, રામધૂન અને ગામડાંમાં બંધ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. મોરબીમાં પાસના કાર્યકરોએ વિદ્યાર્થીઅોને સાથે રાખી શાળા બંધ કરાવી રામધૂન બોલાવી હતી. શાળા સંચાલકોએ કોઈ ઘર્ષણ ન થાય અને શાળાનું વાતાવરણ ન બગડે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજા જાહેર કરી દીધી હતી. સરદાર બાગ પાસે આવેલા જાહેર પાર્કિંગ સ્થળ પર રામધૂન અને ધરણાં શરૂ કર્યા હતા.
ભાયાવદર: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ગુરુવારે સરકાર સામે વિરોધ નોંધાવી હાર્દિક પટેલના સમર્થનમાં તમામ જ્ઞાતિના વેપારી ભાઈઓએ પોતાના વેપાર ધંધા એક દિવસ માટે સજ્જડ બંધ રાખ્યા હતા. તેમજ ભાયાવદરમાં થાળી વેલણ નાદ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમજ બપોરે ચારથી સાત વાગ્યા સુધી રામધૂન પણ કરી હતી.
ધોરાજી: ધોરાજીના મોટીમારડ ગામે હાર્દિકના સમર્થનમાં સજ્જડ બંધ રાખી મહિલાઓ તથા પાટીદારોએ રામધૂન અને પ્રતીક ઉપવાસ આંદોલન કરી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટીમારડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓએ થાળી વેલણ વગાડીને આંદોલનને ટેકો અાપ્યો છે.
ટંકારા: ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે હાર્દિકના સ્વાસ્થ્ય માટે યજ્ઞ કરાયો હતો, તેમજ યુવકોએ હાર્દિકને લડત દરમિયાન જે અંગને નુકસાન પહોંચશે તે અંગેનું દાન કરવાની પણ જાહેરાત કરી હતી.
ગોંડલ: શહેરના વર્ધમાનનગરમાં મહિલાઓ દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કરાયાના બનાવ બાદ ગુરુવારે ગોંડલના બસસ્ટેન્ડથી ગુંદાળા ચોકડી સુધીના ગુંદાળા રોડ પર વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો, આ રોડ પર આવેલી ગંગોત્રી સ્કૂલને ટોળાં દ્વારા બંધ કરવાનો પ્રયત્ન કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્કૂલ ચાલુ રખાઈ હતી.
જૂનાગઢ: ભેંસાણ અને વિસાવદર તાલુકામાં હાર્દિક પટેલના સમર્થનમાં કાર્યક્રમો યોજાયા છે. જેમાં વિસાવદર તાલુકામાં માથે મુંડન, થાળી-વેલણ વગાડવા, સ્મશાનમાં બેસીને વિરોધ, ગામ બંધ, હિરાના કારખાના બંધ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ભેંસાણ તાલુકામાં રામધૂન, ખેડૂતોનાં ઉપવાસ, શાળામાં સ્વયંભૂ બંધ વગેરે કાર્યક્રમો આપવામાં આવ્યા હતા.
મેંદરડા: હાર્દિકના સમર્થનમાં અને તેના સારા સ્વાચ્થ્ય માટે મેંદરડા તાલુકાનાં સીમાસી ગામે રામધુન બોલાવાઈ હતી. જેમાં સમાજની 50થી વધુ બહેનોએ થાળી વેલણ વગાડી રામધુન બોલાવી હતી.
જામજોધપુર: જામજોધપુરના ગીંગણી બાદ ગુરુવારે પાટીદારોનું સીદસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું.ગ્રામજનોએ સ્વયંભૂ બંધ પાડીને ઉમિયાધામ ખાતે ધૂન બોલાવી હતી.જામજોધપુરના ગામડે ગામડે હાર્દિકના આંદોલનને ખુલ્લું સમર્થન મળતા આંદોલન જોર પકડી રહ્યું છે.જેથી અનેક સમીકરણો બદલાયા છે