નરેશ પટેલ મધ્યસ્થી માટે અમદાવાદ આવવા રવાના ,પણ હાર્દિક પટેલે શું કહ્યું જાણો

અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામ નરેશ પટેલ આશાવાદ સેવ્યો હતો અને મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી. સમાજ હિત માટે કોર્ટમાં ચાલતી મેટરમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી મીડિયા સાથેની વાતચીતમાં આજે ખોડલધામ ચેરમેને કરી હતી. અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું કહ્યું હતું. અમદાવાદ ખોડલધામની ટીમે હાર્દિકના ઉપવાસને લઈને કામગીરી આરંભી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નરેશ પટેલે મધ્યસ્થી માટે તૈયારી બતાવી છે અને તેઓ આજે બપોરે હાર્દિક પટેલની મુલાકાત લેવાના છે, ત્યારે હાર્દિકે થોડીવાર પહેલા જ ટ્વીટ કર્યું છે કે, તેણે વ્યક્તિગત રીતે કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી.

હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું છે કે, મેં વ્યકતિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યકતિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું. હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે.

નરેશ પટેલે  વધુમાં શું કહ્યું?

ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાય્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણા કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈ.

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સી.કે પટેલ સામે ભારે વિરોધ થતાં અંતે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાટાઘાટો કરવા મોકલવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના બે મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

આજે બપોરે હાર્દિક પટેલની મુલાકાત લેવાના છે, ત્યારે પાસ નરેશ પટેલની મુલાકાત પહેલા મીટિંગ કરે તેવી શક્યતા છે. આ મીટિંગમાં મુખ્ય ત્રણ માંગો માટે ચર્ચા થશે. હવે જોવાનું એ રહે છે કે, નરેશ પટેલની મધ્યસ્થી સફળ થાય છે કે નહીં.

લાલજી પટેલે મોદી-અમિત શાહને પત્ર લખી શું આપી ચિમકી? વાંચો પત્ર

સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણીને હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ચિમકી ઉચ્ચારી છે કે, ઉપવાસને કારણે કોઈ પાટીદાર યુવકો જીવ ગુમાવશે, તો તેની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે.

લાલજી પટેલે આજે આઠ માંગણીઓ સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે, જેમાં ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારો પરત્વે નકારાત્મક વલણ રાખતી હોવાનો આક્ષેપ કરાયો છે. હાલમાં ગુજરાતની પરિસ્થિતિ બગડી રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કરાયો છે.

પાટીદારોની માંગણીઓ બાબતે સરકારને પત્રમાં ચેતવણી પણ અપાઈ છે. પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારાય તો જે થશે તે માટે ભાજપ સરકાર જવાબદાર રહેશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top