નવી દિલ્હીઃ જમ્મુની નજીક આંતરાષ્ટ્રીય બોર્ડર પર સીમા સુરક્ષા બળ (BSF)ના જવાન સાથે પાકિસ્તાને કરેલા અમાનવીય કૃત્ય પર આખા દેશમાં ગુસ્સો છે. રામગઢ સેક્ટરમાં મંગળવારે બનેલી ઘટના બાદ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. કોંગ્રેસે ગુરુવારે સવાલ કર્યો છે કે, ”ક્યાં ગઈ 56 ઈંચની છાતી અને ક્યાં ગઈ લાલ આંખ?”
સરકાર સમક્ષ એક્શનની માંગ
પાકિસ્તાનની કૃરતાનો ભોગ બનેલા BSFના કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમારના પૈતૃક ગામમાં લોકોએ તેમને અંતિમ વિદાય આપી છે. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. પિતાની શહાદતથી દુઃખી થયેલા દીકરાએ પાકિસ્તાન સામે સરકારને કડક એક્શન લેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ ગર્વનો વિષય છે. દરેકને તિરંગામાં અંતિમ વિદાય નથી મળતી. પણ, અમે માત્ર ગર્વ કરીને નથી રહેવા માગતા. અમને આજે ગર્વ છે, પછી કાલે ફરી કોઈ શહીદ થશે અને ફરી ગર્વ થશે. અમે સરકાર સમક્ષ એક્શનની માંગ કરીએ છીએ.
કોંગ્રેસનો PM પર વાર
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, “પહેલા હેમરાજ અને હવે નરેન્દ્ર સિંહ. પાકિસ્તાને આ બન્નેની બર્બરતા પૂર્વક હત્યા કરી છે. સરકાર શું કરી રહી છે? શું મોદીજીને તેમનો અંતરઆત્મા શરમાતો નથી?”
‘દેશ જવાબ માગે છે’
સુરજેવાલાએ સરકાર પર હુમલો કરીને કહ્યું કે ક્યાં ગઈ 10 માથા લાવવાની વાત? સરકાર ભ્રષ્ટ લોકો માટે ચિંતિત છે પણ તેમને જવાનોની ચિંતા નથી. મોદીજી પોતાના રાજકીય લાભ ખાતર સેનાનો ઉપયોગ કરે છે પણ તેમની સુરક્ષા વિશે નથી વિચારતી. દેશ જવાબ માગે છે અને તમારે જવાબ આપવો પડશે.
18 સપ્ટેમ્બરે બની ઘટના
જણાવી દઈએ કે, બીએસએફના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ 18 સપ્ટેમ્બરે પાકિસ્તાનના ફાયરિંગ બાદ ગુમ થયા હતા અને પછી તેમનો મૃતદેહ મળ્યો હતો. બીએસએફે પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડકાઈથી આ મુદ્દો ઉઠાવ્યો છે. સત્તાવાર સૂત્રો જણાવે છે કે, કોન્સ્ટેબલ નરેન્દ્રના શરીર પર ત્રણ ગોળીઓના નિશાન છે.
પાકિસ્તાની સૈનિકોએ જવાનને ગોળીઓ માર્યા પછી તેનું ગળું ધડથી અલગ કરી દીધું. આંતરાષ્ટ્રીય સરહદ પર ભારતીય જવાનો સાથે બનેલ અમાનુષી ઘટના છે અને પાકિસ્તાની સેનાનો તેના પાછળ હાથ છે. બીએસએફ અને અન્ય સુરક્ષા બળો તેની સામે કાર્યવાહી કરશે. બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરે કાલે આ ઘટના સંબંધિત નિવેદન આપ્યું હતું પણ તેમાં ગળું કાપવાની વાત નહોતી કરવામાં આવી.