’22’ના આંક સાથે અમિત શાહને શું છે સંબંધ? શાહની તમામ કારના નંબર પણ છે ’22’

 અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના પુત્ર જય અમિત શાહના જન્મ તારીખ યોગાનુયોગ ’22’ તારીખે છે. માત્ર એટલું જ નહીં, પિતા-પુત્રના જન્મ દિવસમાં માત્ર એક જ મહીનાનો ફેર છે. જેમાં જય અમિત શાહનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ થયો છે, જ્યારે અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો છે.

આમ પિતા અમિત શાહ અને પુત્ર જય શાહના જન્મની એક જ તારીખને શુકનવંતી ગણીને અમિત શાહના પરિવારજનોએ પોતાના વાહનોના નંબર પણ ’22’ જ રાખ્યા છે. તેમજ આગામી 22 સપ્ટેમ્બર એટલે કે શનિવારના રોજ પણ અમિત શાહ તેમના પુત્ર જય શાહના જન્મ દિવસની ઉજવણી પરિવાર સાથે કરશે.

વ્યસ્તતા વચ્ચે ફેમિલી સાથે વિતાવે છે સમય

આ ઉપરાંત અમિત શાહ રાજનીતિની અતિ વ્યસ્તતા વચ્ચે પણ પારીવારિક કાર્યક્રમોમાં અચૂક હાજર રહે છે. જેમાં રથયાત્રાથી લઈ પરિવારમાં કોઈના જન્મ દિવસ અને તહેવારની ફેમિલી સાથે ઉજવણી જ કરે છે.

જય શાહની અજાણી વાતો

22 સપ્ટેમ્બર 1988ના રોજ અમિત શાહ અને સોનલ શાહના ઘરે જન્મેલા જય શાહે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી B.Tech એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે. જય શાહે પોતાનો અભ્યાસ પૂરો કરીને ફેમિલી બિઝનેસ પાઈપ બિઝનેસમાં જોડાયા હતા. તેમજ તેઓ સ્ટોક માર્કેટમાં પણ ખૂબ રસ ધરાવે છે. તેની સાથે સાથે જય સારો બેટસમેન હતો, તેણે ગુજરાતના કોચ જયેન્દ્ર સેહગલ પાસેથી ક્રિકેટની તાલીમ મેળવી હતી.

જય 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના એક્ઝીક્યુટિવ મેમ્બર બન્યા અને 2013માં GCAના જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યો હતો. જ્યારે તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ 2015માં ઋષિતા પટેલ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં પુત્રીના પિતા બન્યા હતા.

અમિત શાહનું બાળપણ અને આરએસએસ પ્રવેશ

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેનું બાળપણ માણસામાં વીત્યું અને શાળાકીય અભ્યાસ પણ ત્યાં જ પૂરો કર્યો. ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદ આવી ગયો. યુવાવસ્થામાં તેઓ મહાન રાષ્ટ્રનાયકોની વાતો વાંચી માતૃભૂમિની સેવા કરવાનું સ્વપ્ન જોતા. અહીં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત થયા અને RSSમાં જોડાયા. જેને પગલે RSSની વિદ્યાર્થીપાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ચાર વર્ષ કામ કર્યું.

અભ્યાસ અને બિઝનેસ

આ દરમિયાન અમદાવાદમાં બાયોકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન સાથે કોલેજ પૂર્ણ કરી.શરૂઆતમાં તેઓ પ્લાસ્ટિક પાઈપનો પારિવારિક બિઝનેસ સંભાળતા હતા. આ ઉપરાંત શેરબ્રોકર તરીકે કામ કર્યું. 80ના દાયકામાં આરએસએસની પોલિટિકલ વિંગ તરીકે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો અને 1984-85માં શાહ તેના સભ્ય બન્યા. બીજેપીના એક સાધારણ કાર્યકર્તાથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. ત્યાર બાદ તેઓ ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી, ભાજપા (ગુજરાત)ના સ્ટેટ સેક્રેટરી, સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે યુવાવર્ગમાં ભાજપનો બેઝ મજબૂત

અમિત શાહની રાજકીય કરિયર

અમિત શાહની રાજકીય કરિયરની શરૂઆત 1997માં સરખેજ વિધાનસભા સીટ પર 25,૦૦૦ મતોથી પેટાચૂંટણી જીતીને શાનદાર રીતે શરૂ થઈ.1998માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને 1.30 લાખ વોટથી વિજયી બન્યા. ત્યાર બાદ 2002,2007 અને 2012માં વિધાનસભા ચૂંટણી જીતી હતી અને ગૃહ રાજ્યમંત્રીની પણ જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદ 2014  બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને બીજેપીને અનેક રાજ્યોમાં વિજયી બનાવી.  હાલ તેઓ અધ્યક્ષની સાથે સાથે રાજ્યસભાના પણ સભ્ય છે અને લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓમાં વ્યસ્ત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top