GujaratNews

CMએ ‘કેસરીયો’ લહેરાવી ગાંધીનગરથી શરૂ કરી 50 વોલ્વો અને લગ્નની ખાસ બસ સેવા

ગાંધીનગર: મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા પ્રજા-મુસાફરોની સહુલિયત માટે સેવામાં મૂકાયેલી 50 વોલ્વો બસ સર્વિસનો પ્રસ્થાન સંકેત આપી ગાંધીનગર એસટી બસસ્ટેન્ડથી ગુજરાત એસટીનો લોગો ધરાવતો કેસરીયો ઝંડો લહેરાવીને અને રીબિન કાપીને પ્રારંભ કરાવ્યો હતો. તેમણે લગ્નપ્રસંગે રાહત દરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ સેવાઓ પણ લોકાર્પિત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજીત આ સમારોહમાં વિજય રૂપાણીએ કહ્યુ કે, રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી આગામી દિવસોમાં જોડવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આ સરકાર પ્રજાજનોને ગુડ ગર્વનન્સની સુવિધાઓ સેવાઓ આપનારી જનહિતકારી સરકાર છે. સરકારના માર્ગ વાહનવ્યવહાર, આરોગ્ય, શિક્ષણ સહિતના બધા જ વિભાગોમાં નાગરિકો-જરૂરતમંદ ગરીબોને શ્રેષ્ઠત્તમ સુવિધા સગવડ મળે તેવો ધ્યેય સરકારનો રહ્યો છે અને રહેવાનો છે. આ સરકાર સંવેદનશીલતાથી ગરીબ, વંચિત, જરૂરતમંદ પરિવારોની પડખે સદાય ઊભી રહેનારી સરકાર છે.

આવા ગરીબ પરિવારોમાં લગ્ન જેવા ખૂશીના પ્રસંગોએ રૂ. 1200થી 3000 સુધીના નજીવા રાહત દરે એસ.ટી. બસ સેવાઓ પૂરી પાડી ખાનગી વાહનોમાં થતા કવેળાના અકસ્માતથી ખૂશીનો અવસર શોક-માતમમાં ન ફેરવાઇ જાય તેવી સંપૂર્ણ સંવેદનાથી કાળજી સરકાર રાખે છે. સુવિધાઓ-સગવડતાઓ માત્ર પૈસાવાળા વર્ગો માટે જ નહીં, પરંતુ ગરીબમાં ગરીબ માનવીને પણ તેનો લાભ મળે તેવી આપણી નેમ છે.

ગુજરાત એસ.ટી. નિગમ અદ્યતન ટેકનોલોજી, બસોમાં GPS સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સીધા જોડાણથી રિયલ ટાઇમ મોનિટરિંગ અને સમયપાલનમાં દેશમાં અગ્રેસર છે. નિગમના કર્મીઓની કાર્યશીલતાને અભિનંદન પાઠવ્યા હતા. લગ્નપ્રસંગે રાહતદરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ રાજ્યના તમામ 125 એસ.ટી. ડેપો પર ફાળવણી કરવામાં આવશે. 50 વોલ્વો બસ LED ટીવી, વાઇફાઇ ડીવાઇસીસ, પ્રત્યેક સીટ પર મોબાઇલ-લેપટોપ ચાર્જીંગ પ્લગ સહિતની સુવિધાઓ ધરાવે છે

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજયનાં 25 લાખ જેટલા મુસાફરો એસ.ટી. બસ સેવાનો લાભ લે છે. પ્રવાસીઓની જરૂરિયાત પ્રમાણે આધુનિક સુવિધાઓથી સજ્જ વોલ્વો બસની સેવાનો વ્યાપ વધે અને મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થાય તે માટે રાજ્યના એસ.ટી. ડેપોની સુવિધાઓ વધારી છે. નરોડા ખાતેના વર્કશોપનું આધુનિકરણ કરીને એસ.ટી. બસની બોડી બનાવવાનું કામ નિગમે હાથ ધર્યુ છે. વડીલો-વૃદ્ધોની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખી રાહત દરે યાત્રાએ જવા માટે પણ બસ સુવિધાઓ રાજય સરકારે અમલી બનાવી છે. રાજયના તમામ એસ.ટી. ડેપોને તબક્કાવાર અપગ્રેડ કરીને મુસાફરો માટે આધુનિક સુવિધાવાળા બનાવ્યા છે.

વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતુ કે, આજના સ્પર્ધાત્મક યુગમાં આધુનિક સુવિધાઓથી સજ્જ વોલ્વો બસમાં એ.સી., એલ.સી.ડી., સી.સી. ટીવી, સુવિધા મુસાફરોને મળશે. લગ્ન પ્રસંગે રાહત દરે ફાળવવાની વિશિષ્ટ બસો પણ રાજયની પ્રજા માટે સેવામાં મુકી છે. રાજ્યના 99 ટકા ગ્રામ્ય વિસ્તારને એસ.ટી. સુવિધાથી આવરી લીધી છે.

એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક સોનલ મિશ્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું . આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિત એસ.ટી. નિગમનાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker