આપણે તમામ લોકો મોબાઈલ ફોન પર આવતા મિસકોલ્સને લઈને વાત કરતા રહીએ છીએ, પરંતુ કોટાના મુકંદરા હિલ્સ ટાઈગર રિઝર્વના ગામ દામોદરપુરામાં એક દંપતીએ પોતાની દીકરીનું નામ જ મિસકોલ રાખી દીધું હતું. વિભાગીય કમિશ્નર કેસી વર્મા જ્યારે સ્કૂલનું નીરિક્ષણ કરવા માટે ગયા, તો ધોરણ-6માં ભણતી વિદ્યાર્થિનીનું નામ મિસકોલ સાંભળીને ચોંકી ગયા. વર્માએ માસૂમના ભવિષ્યનો વિચાર કરીને તાત્કાલિક એક નેક પહેલ કરી અને હવે આ વિદ્યાર્થિનીનું નામ તમામ રેકોર્ડમાં મુસ્કાન ગુર્જર થઈ ગયું છે. ગામની દીકરીને જ્યારે બહેનપણીઓએ મુસ્કાન નામથી બોલાવી, તો તેની ખુશીનો પાર ન રહ્યો.
વિભાગીય કમિશ્નર કેસી વર્મા ઘાટોલી સિનિયર સ્કૂલમાં બાળકોની મુલાકાત લીધી તે દરમિયાન એક બાળકીએ પોતાનું નામ મિસકોલ જણાવ્યું હતું. આ સાંભળીને બધાં બાળકો જોરજોરથી હસવા લાગ્યા. વિભાગીય કમિશ્નરે બાળકીને બોલાવીને આ નામથી સંકોચ થાય છે કે કેમ એ વિશે પણ પૂછ્યું હતું. તેણે નામ બદલવાની ઇચ્છા જાહેર કરી હતી.
તેના પર વર્માએ ડીઇઓ એંજેલિકા પલાત અને રમસા એડીપીસી સંજય મીણાને નિર્દેશ આપીને પ્રિન્સિપાલ દિનેશ કુમારના માધ્યમથી બાળકીનું નામ યોગ્ય કરવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ અધિકારી સ્કૂલ પહોંચ્યા અને નામ બદલવાની પ્રક્રિયા પૂરી કરાવડાવી. હવે વિદ્યાર્થિનીનું જન્મનું પ્રમાણપત્ર મુસ્કાન ગુર્જરના નામે બની ગયું છે. સ્કૂલ ડોક્યુમેન્ટ્સમાં પણ મુસ્કાન નામ થઈ ગયું છે.
એક વિદ્યાર્થિનીએ નામ જણાવ્યું- કાલી, હવે થયું કાવ્ય
વિભાગીય કમિશ્નર વર્માએ ગુરૂવારે વિજ્ઞાનનગર સ્થિત એક પ્રાઇવેટ સંસ્થાનમાં ધોરણ-6માં એક બાળકીનું નામ પૂછ્યું. તેણે પોતાનું નામ કાલી જણાવ્યું. તેમણે બાળકીને કરિશ્મા, કાજલ, કવિતા, કાવ્યા નામ રાખવાનું સૂચન કર્યું. બાળકીએ પોતાનું નામ રાવ્ય રાખવાની ઇચ્છા જાહેર કરી. વર્માએ સ્કૂલ એડમિનિસ્ટ્રેશને બાળકીનું નામ કાવ્યા કરવાની પ્રક્રિયા પૂરી કરવાના નિર્દેશ આપ્યા.