હોળીની ઠીક પહેલા દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસો દેશવાસીઓ માટે ડરનું કારણ બની રહ્યા છે. રસીકરણ દરમિયાન દેશમાં ફરી એકવાર કોરોના લહેર જોવા મળી રહી છે. જેને લઇને રાજ્ય સરકારો પણ કડક પ્રતિબંધો લાદ્યી રહી છે. હોળીના પર્વે લોકો વતન પરત ફરી રહ્યા છે. જેથી દેશભરમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી શક્યતાઓ પણ વધી રહી છે. આ મુદ્દે સ્વાસ્થ નિષ્ણાંતોનું કહેવુ હતું કે હોળી પર સાવચેતી રાખવામાં નહીં આવે તો આ તહેવાર સુપર સ્પ્રેડર તરીકે સાબિત થશે. તેમણે સલાહ આપી હતી કે, લોકોએ હોળીના તહેવારે સામાજીક કાર્યક્રમો કે બેઠકોમાં હિસ્સો ન લેવો જોઇએ.
દેશમાં મહારાષ્ટ્ર, બિહાર સહિત અનેક રાજ્યો વધી રહેલો કોરોના સંક્રમણના કેસો વચ્ચે હોળીના તહેવારને લઇને ખાસ નીતિ તૈયાર કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ મુખ્યમંત્રી કેજરીવાલે બેઠક કરી દિલ્હીમાં કોવિડ ગાઇડલાઇનના પાલન પર જોર આપ્યું હતું. આ માટે તેમણે પ્રશાસનને કડક કાર્યવાહી કરવાની છૂટ પણ આપી હતી. દિલ્હીની કેજરીવાલ સરકારે કોરોનાના વધત કેસને મુદ્દે લોકોને કોરી હોળી ઉજવવા અપીલ કરી હતી. બુધવારે દિલ્હીમાં આશરે બે મહિના પછી દૈનિક 500થી વધુ કેસ સામે આવ્યા હતા.
બીજી તરફ દેશમાં ગુરુવારે કોવિડના 35,871 નવા કેસ સામે આવ્યા હતા, આ આંકડો વિતેલા 100થી દિવસોમાં દૈનિક સંક્રમણના નવા કેસો પૈકી સૌથી વધુ હતો. કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલય મુજબ નવા કેસમાંથી 79.54% કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડૂમાંથી સામે આવ્યા હતા. સરકારી આંકડા મુજબ દેશના 70 જીલ્લાઓમાં સંક્રમણના નવા કેસમાં ભારે ઉછાળો નોંધાયો હતો. કેન્દ્રિય સ્વાસ્થ સચિવે બુધવારે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે 16 રાજ્યોના 70 જીલ્લાઓમાં સંક્રમણના કેસો વધારે છે. અહીં વિતેલા 15 દિવસમાં 150 ટકા કેસમાં વધારો નોંધાયો હતો.
અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે એકવાર ફરી રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગ અભિયાન શરુ કર્યુ હતું. જે 27 માર્ચ સુધી ચાલશે. નોઇડાના ગૌતમ બુદ્ધ નગમાં પણ 30 એપ્રિલ સુધી કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી હતી અને કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરનારા સામે કડક પગલા લેવાની ચેતવણી આપવામાં આવી હતી. પંજાબમાં પણ નવ જીલ્લાઓમાં લાગેલા રાત્રિ કર્ફ્યુમાં પ્રશાસને સમયનો ફેરફાર કર્યો હતો. પંજાબના આ જીલ્લાઓમાં દૈનિક 100થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.
હોળી દરમિયાન વતન આવી રહેલા લોકોને લઇને બિહાર સરકાર પણ સક્રિય બની ચૂકી છે. બિહાર સરકારે રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ્સ અને એરપોર્ટ પર જ રેન્ડમ કોરોના તપાસ કન્દ્રો ઉભા કરી દીધા હતા. પરિસ્થિતને જોતાં અહીં હોળી દરમિયાન એકઠા થવા પર પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો છે.
દેશમાં અનેક રાજ્યોમાં કોવિડના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારોને યોગ્ય પગલા લેવાની સલાહ આપી હતી. તેમના મુજબ કોરોનાની બીજી લહેર પર કાબૂ નહીં મેળવાય તો દેશ ફરી એકવાર કોરોના મહામારીની ઝપેટમાં આવી જશે. તેમણે રાજ્ય સરકારોને કડક પગલા લેવાની અપીલ કરતા કહ્યું હતું કે લોકો વચ્ચે સ્થિતિ સામાન્ય બની રહે એનો ખાસ ખયાલ રાખવામાં આવે. વડાપ્રધાને કહ્યું હતું કે જ્યાં જરુર હોય ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા જોઇએ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારીકાઇથી હેલ્થ નેટવર્ક અને ટેસ્ટિંગ પર કામ કરવાની જરુરિયાત પર જોર આપ્યું હતું.
એઆઈઆઈએમએસ દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ વર્તમાન સ્થિતિને જોતાં દેશમાં કોરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા પર જોર આપ્યું હતું. તેમના મત મુજબ દેશમાં દૈનિક સ્તરે 50 લાખ કોરોના વેક્સીન ડોઝ આપવાની જરુર છે.