GujaratNews

શું ગુજરાતમાં ફરીથી લાગુ થશે લોકડાઉન? જાણો રાજ્ય સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું

રાજ્યમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસો સતત અને ઝડપથી વધી રહ્યા છે, ત્યારે રાજ્યમાં લોકડાઉન આવશે કેમ તે અંગે સીએમ રુપાણી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સમાં રુપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે. તેમણે એ પણ કહ્યું હતું કે સ્કૂલ અને કોલેજો ચાલુ રાખવા કે કેમ તે અંગે આજે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. હોળીની ઉજવણી થવા દેવી કે કેમ તે અંગે પણ સરકાર ઝડપથી નિર્ણય લેશે તેમ તેમણે જણાવ્યું હતું.

રુપાણીએ જણાવ્યું હતું કે, 2020માં ગુજરાતે કોરોના સામે મોટો જંગ ખેલ્યો હતો. જોકે, ફેબ્રુઆરીમાં સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ કેસોમાં મોટો ઘટાડો થતાં લોકો એક પ્રકારે બેફિકર થઈ ગયા હતા અને કોરોનાને હળવાશથી લેવા લાગ્યા હતા. જેના કારણે નિયમોનું ચૂસ્તતાથી પાલન નહોતું થયું. જેના કારણે એક સમયે રાજ્યમાં રોજના કેસો 300થી નીચે જતાં રહ્યાં હતાં તે હવે 1150ની આસપાસ આવી ગયા છે.

રુપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ફરી કોરોના હોસ્પિટલોને કાર્યરત કરવાની તૈયારી કરી છે. આ ઉપરાંત, કોરોનાનો જેને ચેપ લાગ્યો છે તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીએમે જણાવ્યું હતું કે, કોરોનાની ટ્રીટમેન્ટ માટે અગાઉ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અગાઉ જે વ્યવસ્થા હતી તે જ ફરી ઉભી કરાઈ રહી છે. કેસના વધારાના પ્રમાણમાં છ ગણા બેડની વ્યવસ્થા કરી દેવાઈ છે, જેથી બેડની શોર્ટેજ ના સર્જાય.

ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુનું ચૂસ્ત પાલન કરવામાં આવશે તેમ કહેતા રુપાણીએ જણાવ્યું હતું કે માસ્કનો નિયમ પણ કડકાઈથી અમલી કરાવવામાં આવશે, અને કોઈપણ જગ્યાએ ભીડ ભેગી ના થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. લોકડાઉન અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં આપણે આ સ્થિતિનો સામનો કરી ચૂક્યા છીએ અને તે વખતે પણ લોકડાઉન નહોતું કરવામાં આવ્યું, જેથી હાલ લોકડાઉનનો ભય રાખવાની જરુર નથી.

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં અમદાવાદમાં એેએમટીએસ અને બીઆરટીએસની બસો 18 માર્ચથી બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યુનો સમય પણ વધારીને રાત્રે 10થી સવારે છનો કરી દેવામાં આવ્યો છે. સુરતમાં રાજ્ય બહારથી આવતા લોકો માટે 1 સપ્તાહ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે, અને ટ્યૂશન ક્લાસ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker