પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય હતું
2002-03થી 2012-13 સુધી 3.6 ટકાની ઝડપથી વધી રહી હતી આવક, છેલ્લા 4 વર્ષમાં 2.5 ટકા થઈ
અધૂરી ભલામણો પણ માત્ર અંગ્રેજી ભાષામાં જ , 2011ના આંકડાના આધારે રિપોર્ટ બની રહ્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1લી ફેબ્રુઆરીએ તેનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે તો તેના ફોકસમાં ફરી એક વખત ભારતની વસતીનો સૌથી મોટો હિસ્સો એટલે કે ખેડૂતો હશે. પરંતુ ખેડૂતો માટે વડાપ્રધાન તરફથી કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ જાહેરાત એટલે કે ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાની યોજનાનો ક્યાંય અત્તો-પત્તો નથી.
વડાપ્રધાને ફેબ્રુઆરી 2016માં ખેડૂતોની આવક બમણી કરવા માટે વ્યવસ્થા વિકસાવવાની વાત કરી હતી. તેના તુરંત બાદ ડબલિંગ ફાર્મર્સ ઈન્કમ કમિટીની રચના કરી દેવાઈ. નેશનલ રેનફેડ એરિયા ઓથોરિટી એનઆરએએના સીઈઓ અશોક દલવઈના અધ્યક્ષપદે મળેલી આ કમિટીમાં 100થી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે સમિતિની રચનાના બે વર્ષ બાદ પણ સમિતિ અડધો જ રિપોર્ટ તૈયાર કરી શકી છે.
સમિતિના કામ પર નજર નાંખીએ તો સમિતિએ કુલ 14 પ્રકરણમાં પોતાનો રિપોર્ટ બનાવવાનું માળખું તૈયાર કરી લીધું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી સમિતિએ રિપોર્ટનાં આઠ પ્રકરણ બનાવી લીધાં છે.
દરેક ખેડૂતના માથે 47,000નું દેવું
દેશમાં ખેડૂત પરિવારોની સંખ્યા જોતા તે 9 કરોડથી વધુ છે. સરકારે રાજ્યસભાને માહિતી આપતા જણાવ્યું કે તેમાંથી 52 ટકા ખેડૂત દેવા હેઠળ દબાયેલા છે. દેશના ખેડૂત પરિવારો પર સરેરાશ પ્રતિ પરિવાર રૂ. 47,000નું દેવું છે. સૌથી વધુ દેવામાં દક્ષિણ ભારતીય રાજ્યોના ખેડૂતો છે.