હાર્દિક પટેલ ફરીથી શરૂ કરશે ઉપવાસ, જાણો ક્યારે અને ક્યાં..!

પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેર કર્યા બાદ ૧૯ માં દિવસે સમાજના વડીલોના આગ્રહથી પારણાં કરી લીધા હતાં

ત્યારે હવે હાર્દિક પટેલ ફરીથી ઉપવાસ શરુ કરશે. આમરણાંત ઉપવાસ પર બેઠા બાદ હાર્દિકે સતત ૧૯ દિવસ અન્નનો એક દાણો પણ નહોતો ખાધો ત્યારે તેની કીડની સહીત શરીરમાં અસરો પહોંચી હતી તેની સારવાર લેવા હાલમાં તે બેંગ્લોર છે.

ત્યારે જાણવા મળી રહ્યું છે તે અનુસાર હાર્દિક પટેલ ફરીથી ઊપવાસ ચાલુ કરશે પરંતુ હવે તેની પદ્ધતિ કંઈક અલગ હશે. હાર્દિક પટેલ ૨ ઓક્ટોબર એટલે કે આવતા અઠવાડિયાથી ગાંધી જયંતિથી પ્રતિક ઉપવાસ પર બેસવાની શરુઆત કરશે.

૨ ઓક્ટોબરે હાર્દિક પટેલ મોરબી જિલ્લાના બગથળા ગામે ઉપવાસ પર બેસશે, જેમાં તેની માંગણી અનામત, ખેડૂતોની દેવામાફી અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની જ રહેશે.

ગાંધી જયંતિના દિવસે મોરબીના બગથળા ગામે શરુઆત કરીને ગુજરાતના અલગ અલગ શહેરો તેમજ તાલુકા મથકોએ તે મોદી સ્ટાઈલથી પ્રતિક ઉપવાસ પર બેસશે.

તો હાર્દિક પટેલે ફેસબુક પર આ અંગે પોસ્ટ લખીને જાહેરાત કરતાં જણાવ્યું છે કે,

ગાંધી જયંતી,અહિંસાના માર્ગે.તારીખ ૨ ઓક્ટોબર,૨૦૧૮.

“હું શા માટે ચુપ બેસું. મારો પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ દુઃખી હોય,આંદોલનનો મહત્ત્વનો આંદોલનકારી અલ્પેશ કથીરિયા જેલમાં હોય. આવનારી પેઢી માટે લડવાનું છે. ન્યાય અપાવવાનો છે.

હું સૌ લોકોને કહું છું જાગૃત બનીએ. આપણે સૌને સાથે મળીને લડવું પડશે નહીં તો આ તાનાશાહી સમાજ વિરોધી અને ખેડૂત વિરોધી સરકાર ગુજરાતના છ કરોડ લોકોને બરબાદ કરી નાખશે. ” લડીશું તો જીતીશું

હાલમાં બેંગ્લોર નેચરોપથી સેન્ટરમાં લઇ રહ્યો છે સારવાર

હાર્દિક પટેલ 19 દિવસ ઉપવાસ કર્યા બાદ હાલમાં બેંગ્લોરમાં આવેલા જિંદાલ નેચરો કેરમાં ઇલાજ કરાવી રહ્યો છે. જ્યાં તેની સાથે રાજકોટના પાસ કન્વીનર બ્રિજેશ પટેલ તેમજ બિહારના નેતા અખિલેશ કટીયાર પણ છે.

હાર્દિક પટેલે બેંગ્લોર પહોંચીને ટ્વીટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, અનશન બાદ સ્વાસ્થ્યને ઠીક અને મજબૂત કરવા માટે જિંદાલ નેચરો કેરમાં સારવાર કરાવીશ. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિથી તન-મન મજબૂત કરી સમાજની લડાઈ માટેના સંઘર્ષ માટે પુનઃ મજબૂત થવા ઇલાજ કરાવવા આવ્યો છું.

હાર્દિક પટેલ હાલમાં બેંગ્લોર છે પરંતુ ટ્વીટર પર તે સક્રિય રહીને સતત ભાજપ પર તીખા પ્રહારો કરી રહ્યો છે. આજે તેણે એક ટ્વીટ કરી છે જેમાં લખ્યું છે કે, “ભારતરત્ન અટલજીની અંતિમ યાત્રામાં નવ કિલોમીટર ચાલવાનો દેખાડો કરવા કરતાં અટલજીના સિદ્ધાંતો પર બે પગલા ચાલ્યા હોત તો આજે દેશની સુરક્ષા સાથે છેડછાડ થઈ ન હોત. અટલજીના ચિંધેલા માર્ગે ચાલવાની જરૂર છે. જે લોકો સિદ્ધાંતો સાથે નથી ચાલી શકતા તે લોકો દેશને ના ચલાવી શકે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top