એક પણ રૂપિયા વગર મળશે સારવાર! આયુષ્માન યોજનાનો કેવી રીતે મેળવશો લાભ? શું છે ખાસ જાણો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી સ્વાસ્થ્ય સુરક્ષા આપતી મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજનાનો લાભ દેશના કુલ 10.74 કરોડ પરિવારોને મળશે. આ યોજનાનો પહેલો તબક્કો બાબાસાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે લાગુ કરાઈ હતી. હવે તેનો બીજો તબક્કો આજે અમલમાં મુકાયો છે.

શું છે આ યોજનામાં ખાસ?

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરાવતા પીએમ મોદીએ કહ્યું કે, આ યોજનાની આકરણી ભવિષ્યમાં માનવતાની બહુ મોટી સેવા હશે તે નક્કી છે. આખા ભારતનું ધ્યાન રાંચીની ધરતી પર છે. દેશના 400થી વધુ જિલ્લામાં આ સેવા શરૂ થવા જઇ રહી છે. પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, જે સપનું આપણા ઋષિ-મુનિઓએ જોયું હતું, તેને આ શતાબ્દીમાં આપણે પૂરું કરવાનું છે.

જો તમને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કોઇ મુસીબત આવી તો આયુષ્યમાન ભારત તમારા ચરણોમાં હાજર હશે. આયુષ્યમાન યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચમાં જરૂરી તપાસ, દવાઓ, દાખલ થયા પહેલાંનો ખર્ચ અને સારવાર પૂરી થવા સુધીના ખર્ચને સામેલ કરાયો છે. જેને પહેલાંથી કોઇ બીમારી છે, તેની સારવાર પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ યોજના ગરીબો માટે સંજીવની તરીકે ઉભરી આવશે તેવો આશાવાદ ભાજપના નેતાઓ વ્યકત કરી રહ્યા છે.

આ યોજનામાં દેશભરની 13000થી વધુ હોસ્પિટલ સામેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ યોજનાના લાભ માટે કોઇપણ રજિસ્ટ્રેશનની જરૂર પડશે નહીં. ભવિષ્યમાં આ યોજના હેઠળ કેટલીક હોસ્પિટલ સામેલ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે, પાછલી સરકારોએ સરકારી તિજારોની લૂંટી. ગરીબોની આંખમાં ધૂળ ફેંકનાર લોકો જો ગરીબોના સશક્તિકરણ પર બળ આપતા તો આજે દેશની સ્થિતિ શ્રેષ્ઠ હોત. દેશ ગરીબીને પાછળ છોડી આગળ વધી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, અહીં 10 વેલનેસ-સેન્ટરનો શુભારંભ કરાયો છે. ઝારખંડમાં અંદાજે 40 એવા સેન્ટર્સ કામ કરી રહ્યાં છે અને દેશભરમાં તેની સંખ્યા 2,300 સુધી પહોંચી ચૂકી છે. આવનારા 4 વર્ષમાં દેશભરમાં આવા દોઢ લાખ સેન્ટર તૈયાર કરવાનું લક્ષ્ય છે. આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા આખું યુરોપીયન યુનિયનની કુલ વસતીની બરાબર છે.

આયુષ્યમાન ભારત યોજનાથી બે મહાપુરુષોનો સંબંધ જોડાયેલો છે. એપ્રિલમાં જ્યારે યોજનાનો પહેલો તબક્કો શરૂ કર્યો હતો ત્યારે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, દીન દયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી બે દિવસ પહેલાં શરૂ કરાઈ છે. જાતિ આધાર પર અને ઉંચનીચના નામ પર આયુષ્યમાન યોજના હશે નહીં. વ્યક્તિ કોઇપણ સંપ્રદાય, જાતિનો હોય, તમામને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે.

પીએમ મોદીએ કહ્યું કે, કેટલાંક લોકો તેને મોદી કેયર કહી રહ્યાં છે તો કેટલાંક લોકો ગરીબો માટે યોજના કહી રહ્યાં છે. પરંતુ હું તેને દરિદ્ર નારાયણની સેવા કહું છું. તેમણે કહ્યું કે, આખું યુરોપિયન સંઘ, અમેરિકા, કેનડા અને મેક્સિકોની વસ્તીને જોડવામાં આવે તેના કરતાં વધુ ભારતને એક સાથે આ યોજનાનો લાભ મળશે.

કેવી રીતે મેળવશો લાભ?

 • ગુજરાતનો આયુષ્માન યોજના અંતર્ગત સમાવેશ થાય છે
 • ગરીબી રેખા હેઠળ આવતા તમામ લોકોને લાભ મળશે
 • 2011ની વસતી ગણતરી મુજબ તમામ ગરીબ આયુષ્માનનો લાભ લઈ શકશે
 • 2011 પછી ગરીબી તરીકે નોંધણી થઈ હશે તો યોજનાનો લાભ નહીં મળે
 • આયુષ્માન યોજના અંતર્ગત વર્ષે 5 લાખના વીમાનો લાભ મેળવી શકશો
 • સરકારી કે ખાનગી હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળશે
 • વીમા યોજનાનો લાભ લેવા માટે ઉંમરનો કોઈ બાધ નથી

 • યોજના ચલાવનારી એજન્સીએ એક વેબસાઈટ બનાવી છે
 • જેના પરથી જાણી શકાશે કે લાભાર્થી તરીકે તમારું નામ છે કે નહીં
 • વેબસાઈટનું નામ mera.pmjay.gov.in છે
 • હેલ્પલાઈન નંબર 14555 પર ફોન કરીને પણ તમારું નામ જાણી શકો છો
 • દર્દીની મદદ માટે આરોગ્ય મિત્રને મુકવામાં આવ્યા છે
 • દર્દીને સારવાર દરમિયાન સમસ્યા હોય તો આરોગ્ય મિત્ર મદદ કરશે
 • માન્ય દરેક હોસ્પિટલમાં આયુષ્માન મિત્ર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા હશે

 • આ ડેસ્ક પર લાભાર્થી પોતાની પાત્રતાના દસ્તાવેજો વેરીફાઈ કરાવી શકશે
 • કેંસર સર્જરી, કીમોથેરેપી, હ્રદયની સર્જરી આ વીમા યોજના અંતર્ગત કરાવી શકશો
 • બાયપાસ સર્જરી, ન્યૂરો, દાંત, હાડકા અને આંખોની સર્જરી પણ થઈ શકશે
 • MRI અને CT સ્કેન જેવી તપાસ પણ આ યોજના અંતર્ગત કરાવી શકશો
 • આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી
 • જો તમે ગરીબ છો તો તમારે તમારી ઓળખાણ સ્થાપિત કરવી પડશે
 • મતદાતા કાર્ડ અને રેશન કાર્ડથી પણ તમારી ઓળખ સ્થાપિત કરી શકશો
 • લાભાર્થીએ સારવાર માટે હોસ્પિટલમાં એક પણ રૂપિયો ચુકવવાનો નથી
 • દર્દીનો ઈલાજ સંપૂર્ણ કેશલેસ હશે, એટલે કે દર્દીએ નાણાં ખર્ચ કરવાના નથી
દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here