વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા વલસાડ જિલ્લાના નોકરિયાત વર્ગ તથા કામદારો માટે રાત્રિ દરમિયાન વેક્સિનેશન કેમ્પ શરૂ કરાયા છે. આ કેમ્પમાં નોકરી જતા તમામ લોકોનો સરવે કરીને રાત્રિ દરમિયાન તમામ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં રસીકરણ કેમ્પ ચાલી રહ્યા છે. રોજ 100 થી વધુ જગ્યાએ સમગ્ર જિલ્લામાં રસી માટેના કેમ્પ લગાવવામાં આવે છે. જેમાં ગાઈડ લાઈન પ્રમાણે મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આવેલા વાપી, વલસાડ, સરીગામ, ઉમરગામ, પારડીના જીઆઇડીસી વિસ્તારોમાં અનેક નાનીમોટી હજારો કંપનીઓ ધમધમે છે.
જેમાં લાખો કામદારો કામ કરે છે. આથી આવી કંપનીઓમાં જે કામદારો અને કર્મચારીઓ રાત સુધી નોકરી ધંધા માટે કામ કરે છે. આથી તેઓને દિવસ દરમિયાન રસી માટે સમય નથી મળી શકતો. આવા લોકો અને કામદાર વર્ગ માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રિ રસીકરણ કેમ્પેઈન શરૂ કરાયું છે.
રાત્રિ રસીકરણ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમો જે તે વિસ્તારોમાં જઇ અને રાત્રે રસી લગાવવાના કેમ્પ યોજી રહ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગે પણ તૈયારી બતાવી છે કે 30 થી વધુ કામદારો કે લોકો રાત્રે રસી લેવા તૈયાર હોય તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ રાત્રે જે તે વિસ્તારમાં જઈ અને રસી માટેનો કેમ્પ લગાવવામાં આવશે.
આમ જિલ્લામાં દિવસે ચાલી રહેલા રસીકરણ ઝુંબેશને વધુ વેગ મળશે અને રાત્રે પણ રસીકરણ અભિયાન ચાલે તે માટે આરોગ્ય વિભાગની ટીમો રાત્રે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રિ રસીકરણ કેમ્પ લગાવી રહી છે. આ રાત્રિ રસીકરણ કેમ્પોમાં પણ આરોગ્ય વિભાગની ટીમને મહત્વની સફળતા મળી છે. મોટી સંખ્યામાં લોકો રાત્રે પણ વેક્સીન લેવા આવી રહ્યા છે.