12 જૂનના રોજ વિશ્વભરમાં બાળમજૂરી નિષેધ દિવસ મનાવવામાં આવે છે. જેમાં નાના બાળકોને મજૂરી કેમ કરવી પડે છે, પરિસ્થિતિઓ, અને સાથે જ તેને રોકવા માટે કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમો વર્ષ 2002 થી મનાવવામાં આવે છે પરંતુ હજી સુધી બાળ મજૂરી ખતમ કરી શકાઈ નથી. તો આવો જાણીએ બાળ મજૂરી વિશેની કેટલીક જાણકારી મેળવીએ.
બાળ મજૂરી એ આપણા સમાજની કરૂણતા છે, વર્તમાન સમયમાં આપણો સમાજ એટલો સમૃદ્ધ અને પ્રગતિશિલ બન્યો છે કે, આપણે ચંદ્ર અને મંગળ પર ઘર ખરીદવા સુધીની તૈયારીઓ કરી લીધી છે. પરંતુ બાળ મજૂરી એ સમાજની એક કરૂણતા છે. દર વર્ષે આ દિવસે કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે પરંતુ એક દિવસ પૂરતા જ. પછી બધા પોતાના કામમાં લાગી જાય છે અને આ મજબૂર બાળકોની વ્યથા વર્ષના એક દિવસને બાદ કરતા 364 દિવસ કોઈને યાદ આવતી જ નથી.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંઘે પ્રથમવાર બાળ શ્રમ રોકવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બાદમાં વર્ષ 2002 માં સર્વ સંમતિથી એક એવો કાયદો પાસ થયો કે જે અંતર્ગત 14 વર્ષથી ઓછી ઉંમરરના બાળકો પાસે મજૂરી કરાવવી એ એક ગુનો માનવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય શ્રમ સંઘ ના 17 જેટલા સભ્ય દેશો છે. તે વિશ્વમાં શ્રમની સ્થિતિઓમાં સુધાર માટે કેટલાય સંમેલનો કર્યા છે. આ સંઘ દ્વારા મજૂરી, કામના કલાકો, અનુકુળ વાતાવરણ વગેરે વિષયો પર પણ ગાઈડલાઈન્સ આપવામાં આવે છે.
એક બાળક કમાવવા માટે નહીં, શીખવા માટે હોય છે
વિશ્વમાં બાળ મજૂરીને લઈને હાલની સ્થિતિ શું છે?
200 મિલિયનથી વધારે બાળકો બાળ મજૂર તરીકે કામ કરે છે, આ પૈકી 120 મીલિયન બાળકો ખતરનાક કામમાં લાગેલા છે. કુલ સંખ્યામાં 10 મિલિયન ભારતના છે.
આપણે બાળ મજૂરીને ખતમ કરવા કેવી રીતે મદદ કરી શકીએ?
આપણે જાગૃતતા વધારી અને બાળ મજૂરી કરાવતી કંપનીઓથી ઉત્પાદન ન ખરીદીને મદદ કરી શકીએ. આવું કરવાથી કંપનીઓ કમજોર બાળકોને રોજગાર આપવાનું બંધ કરશે.
બાળમજૂરીનું મુખ્ય કારણ હોય છે ગરીબી. મોટો પરિવાર અને માતા પિતા ગરીબ હોય અથવા તો પારિવારિક આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તે લોકો પોતાના બાળકોને બાળ મજૂરી માટે મોકલી દે છે. જેથી તે બાળક થોડા પૈસા કમાઈને આવે તો તેના પરિવારનું ભરણ પોષણ થઈ શકે. પરંતુ આવડું મોટું વિશ્વ છે મિલિયનોની સંખ્યામાં બાળકો બાળમજૂરી કરે છે ત્યારે આપણે તેને સંપૂર્ણ રીતે તો અટકાવી ન શકીએ પરંતુ સમાજનો પ્રત્યેક વ્યક્તિ જો યેનકેન પ્રકારે ગરીબ પરિવારોને શક્ય તેટલી મદદ કરી શકે તો આપણે બાળ મજૂરી કરતા બાળકોની સંખ્યા ચોક્કસ ઓછી કરી શકીએ.