કાગવડ ખોડલધામમાં પાટીદારોની બેઠક પૂર્ણઃ લેવાયા આટલા મહત્વના નિર્ણયો…

કાગવડ ખોલધામમાં આજે પાટીદાર સમાજની 6 સંસ્થાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સમાજને લગતા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તમામ અગ્રણીઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતી પણ સધાઈ હતી. આ બેઠકમાં, રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી.

ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે બેઠક પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નરેશ પટેલે કહ્યું હતું કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી, આગામી CM પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. આ બેઠક મળવાના સમાચાર વહેતા થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે, જેના પરથી મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ ઉપરાંત ખોડલધામ મંદિરમાં ઇતિહાસ સર્જાશે. જ્યાં બેઠક પૂર્ણ થયા બાદ લેઉવા અને કડવા પાટીદારો સાથે મળીને ખોડલધામ મંદિરમાં ધજા ચડાવશે.

આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા ઊંઝા ખાતે મા ઉમિયાનાં દર્શન કરવા કડવા અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો એકત્ર થયા હતા. એ વખતે અમારા ભાઈઓ સાથે બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ કોરોનાની બીજી લહેર આવતાં મીટિંગ થઈ શકી નહોતી. આજની બેઠકમાં સમાજના વિકાસની વાત કરવામાં થઈ અને રાજકીય ચર્ચા કરવામાં આવી.

આ સિવાય એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય અનુસાર પાટીદારોમાં હવે કડવા પાટીદાર કે લેઉઆ પાટીદાર નહી લખાય, માત્ર પાટીદાર જ લખાશે.

વિશ્વભરમાં પથરાયેલા પાટીદાર સંસ્થાઓને એક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટીદાર સંગઠનને મજબૂત કરવા અંગે, પાટીદારોને યોગ્ય સ્થાન મળે તે અંગેની ચર્ચા અને બેઠકમાં 2022ની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હોવાનું નિવેદન નરેશ પટેલે આપ્યું છે.

Scroll to Top