ઘોર બેદરકારીઃ જોતજોતામાં કાર જમીનમાં ડૂબી ગઈ, જો આ જગ્યાએ કોઈ માણસ કે બાળક હોત તો?

ચોમાસાએ દસ્તક દેતાની સાથે જ મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં 9 જૂનથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂનના રોજ મુંબઈ, થાણે અને રાયગઢ સહિત કેટલાય વિસ્તારો માટે નવું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદથી ક્યાંક બિલ્ડીંગ ધરાશાયી થઈ છે તો ક્યાંક રોડ જમીનમાં ગરકાવ થઈ ગયા.

ત્યારે મુંબઈમાં પાર્કિંગમાં જોત-જોતામાં તો એક કાર જમીનમાં ગરકાવ થઈ ગઈ. હવે આ સમગ્ર ઘટના બાદ BMC એ એક નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, આ મામલે તંત્રને કોઈ લેવા-દેવા નથી. આ ઘટના ઘાટકોપરની એક પ્રાઈવેટ સોસાયટીની છે.

હકીકતમાં સોસાયટી પરિસરમાં એક કુવો છે. કુવાના અડધા ભાગને સીમેન્ટ પ્લાસ્ટરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. બાદમાં સોસાયટીના લોકો આ જગ્યાએ ગાડી પાર્ક કરવા લાગ્યા હતા. પરંતુ વધારે વરસાદ થતા જમીન પોલી થઈ અને ત્યાં એક ભુવો પડી ગયો અને ત્યાં પાર્ક કરેલી કાર જોત-જોતા જમીનમાં ગરકાવ થઈ ગઈ.

અહીંયા પ્રશ્ન સોસાયટીના સંચાલકો પર ઉઠે છે. કારણકે થોડો ખર્ચ બચાવવા માટે કુવો પૂરવા માટે માત્ર ત્યાં પ્લાસ્ટર કરી દેવાયું. હકીકતમાં આ તો કાર હતી તો કોઈ જાનહાની થઈ નહી પરંતુ જો આ જગ્યાએ બાળકો રમતા હોત તો? જો અહીંયા બાળકો રમતા હોત તો તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત. ત્યારે કોઈની ભૂલ અથવા તો કોઈની બેદરકારી અન્ય લોકો માટે જીવલેણ અથવા નુકસાનકારક સાબિત થતી હોય તે વાત અહીંયા સિદ્ધ થાય છે.

Scroll to Top