આજે ગણેશજીનો વાર બુધવાર છે. ભગવાન ગણેશજીના અનેક મંદિરો સુપ્રસિદ્ધ છે. પણ આજે એક એવા મંદિરની વાત કરવી છે કે જે ખૂબ જ અદભૂત, અલૌકિક અને દિવ્ય છે. વાત છે અમદાવાદ પાસે આવેલા મહેમદાવાદમાં આવેલા સિદ્ધીવિનાયક મંદિરની.
આ ગણેજીના મંદિરનો આકાર જ દુંદાળા ગણપતિજી જેવો છે! અહીં દર્શન કરનારો દરેક વ્યક્તિ પોતાને ધન્ય-ધન્ય સમજે છે. આ મંદિરની સ્થાપના બાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં આવી ચૂક્યા છે અને આ ટુરિસ્ટ પ્લૅસ તરીકે વિકાસ પામી રહ્યું છે. આ મંદિર અમદાવાદ સિટીથી લગભગ 24થી 25 કિલોમીટર દૂર આવેલું છે. ઉપરાંત આ મંદિરની ખાસ બાબત એ છે કે, આ મંદિર મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર સાથે સીધો સંબંધ રાખે છે.
આ મંદિરનું નિર્માણ નદીના કિનારે બનાવવામાં આવ્યું છે એના કારણે દર્શનાર્થીઓ તો ઠીક પરંતુ સહેલાણીઓ કે, જેમને હરવા-ફરવાનો ખૂબ જ શોખ હોય છે તેવા લોકો પણ આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતાં નથી.
મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર સાથે સીધો સંબંધ ધરાવતા અમદાવાદના આ ગણેશ મંદિરની વધુ એક ધ્યાનાકર્ષક બાબત તો એ છે કે, ગણેશજીના આ મંદિરના નિર્માણમાં ક્યાંયે લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ જ થયો નથી! આ ગણેશ મંદિરનો પાયો (ફાઉન્ડેશન) જમીનથી લગભગ 20-25 ફૂટ ઊંડે કરેલું છે. આશ્ર્ચર્યની બાબત તો એ છે કે, આ ગણેશ મંદિરને એક જ શિલા ઉપર ઉભું કરાયેલું છે.
વિશ્વના અન્ય દસે’ક જેટલાં દેશમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ અહીં સ્થાપિત કરાયેલી હોઈ આ મંદિરની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે. આ મંદિરમાં એક-બે નહીં, પરંતુ પાંચ-પાંચ માળ નિર્માણ પામ્યાં છે. આ મંદિરમાં વિશાળ સત્સંગ હૉલનું પણ નિર્માણ કરાયેલું છે. અહીંયા ગણેશજીના વિવિધ સ્વરૂપોના દર્શન પણ થાય છે.