બે સંતાનોના બાપે પત્નીને જણાવ્યું ‘હું બીજીને પ્રેમ કરું છું તને ફાવે તો રહે નહીંતર પિયર ચાલી જા’

છેલ્લા થોડા સમયથી લગ્નેત્તર સંબંધોના કારણે કપલ વચ્ચે અણબનાવના કિસ્સામાં વધારો થયો છે. તેમાં પણ લોકડાઉન થયા બાદ લગ્નેત્તર સંબંધો ખૂલ્લા પડવાના કિસ્સામાં વધારો થયો છે. જેના કારણે કપલ એક બીજા વિરુદ્ધ આરોપ અને પ્રત્યારોપ લગાવતા જોવા મળી રહ્યા છે. અમુક કિસ્સામાં સમાધાન જોવા મળી જાય છે જ્યારે અમુક કિસ્સા કોર્ટ સુધી પહોંચી જાય છે. તેવી જ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લતીપુરા ગામથી સામે આવી છે. જેમાં અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો રાખનાર બે સંતાનના પિતાએ પત્નીના ઘરેથી દહેજ લઇ આવવા ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લતીપુરા ગામે રહેનાર યુવતી સોઢાએ પતિ, જેઠ, સાસુ અને નણંદ સામે મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે, કે મારા લગ્ન માર્ચ-2010માં થયા હતાં. લગ્ન બાદ સંતાનમાં બે પુત્રો પણ છે. લગ્નના શરૃઆતના પાંચ વર્ષ સારી રીતે પસાર થયા બાદ સાસુ અને જેઠ મારા પતિને ચડાવતા હતા કે કરિયાવર તે કશું લાવી નથી. એમ કહીને મને અપશબ્દો પણ કહેતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા. બીજી તરફ પતિના અન્ય યુવતી સાથે સંબધો પણ રહેલા છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, તેના પતિના એક યુવતી સાથે અનૈતિક સંબંધો હોવાના કારણે આ અંગે જ્યારે પતિને કહું તો પતિ કહેતો હતો કે, હું તેને પ્રેમ કરુ છું એની સાથે થોડા સમયમાં લગ્ન પણ કરવા જઈ રહ્યો છું, તને ફાવે તો મારા ઘરમાં રહે નહી તો તારા દીકરાઓને લઇ તારી માતાના ઘરે ચાલી જાવ.

પરિણીતાએ પોલીસને કહ્યું કે, પતિ દારુ પીને આવતો અને મને તેમજ પુત્રોને માર પણ મારતો હતો. પતિના બીજી યુવતી સાથેના સંબંધો અંગે જ્યારે સાસુ અને નણંદને મેં જાણ કરી તો તેઓ એમ કહેતા કે તે યુવતિ પૈસે ટકે તેની મદદ કરે છે, તું કરિયાવરમાં કશું લાવી નહોતી તું એક ખૂણામાં પડી રહે. પતિએ ટ્રાન્સપોર્ટનો ધંધો શરું કરવો છે તેમ કહી પિયરમાંથી પૈસા લઇ આવવાની પણ માંગણી કરવામાં આવી હતી. પતિએ મને તેમજ બંને પુત્રોને ઘરમાંથી પણ કાઢી મૂક્યા છે. પોલીસે આ બાબતની ફરિયાદ બાદ કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Scroll to Top