અમદાવાદઃ શહેરીજનો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવી મેટ્રો ટ્રેનનો પહેલો કોચ અમદાવાદ ખાતે પહોંચી ગયો છે. પહેલા મેટ્રો કોચને હાલમાં રિવરફ્રંન્ટ પર રાખવામાં આવ્યો છે. જ્યાં તેને સામાન્ય લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે.
સાઉથ કોરિયામાં બનીને તૈયાર થયેલા મેટ્રોનો આ કોચ સૌપ્રથમ મુંદ્રા પોર્ટ ખાતે પહોંચ્યો હતો. જ્યાંથી તેને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. શહેરમાં વસ્ત્રાલથી એપેરલ પાર્ક વચ્ચેના પટ્ટામાં ડિસેમ્બર 2018માં મેટ્રોનું ટ્રાયલ થવાનું છે. ત્યારે અમદાવાદીઓ મેટ્રોમાં મુસાફરી કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.
શહેરમાં મેટ્રોનું કામકાજ પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે, અને વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના પહેલા ફેઝનું કાર્ય લગભગ પૂર્ણ થવાને આરે છે. ડિસેમ્બર 2019 સુધીમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડતી થઈ જશે. સંપૂર્ણ પ્રોજેક્ટ માટે અંદાજિત 10,700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને શક્ય તેટલું ઝડપી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરીને સામાન્ય નાગરિકોને ભેટ આપવાની તૈયારીમાં છે.