GujaratNewsPolitics

PM નરેન્દ્ર મોદીની મુલાકાતના 24 કલાકમાં જ ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હીનું તેડું

અમદાવાદઃ ગુજરાતના વતની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના માત્ર 24 કલાકમાં જ ગુજરાત ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોને તાબડતોબ દિલ્હીનું તેડું આવતા ભાજપમાં અનેક તર્ક વિતર્ક તથા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ એકાએક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ હોદ્દેદારોને તાત્કાલિક દિલ્હી આવી જવા ફરમાન કર્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની ગઈકાલની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાને આણંદ અને કચ્છના કાર્યક્રમમાં પાંખી જનમેદની અને સ્થાનિક આગેવાનો સાથે કરેલી ચર્ચાઓના અનુસંધાને ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવ્યા હોવા જોઈએ.

સંગઠન અને સરકારની ત્રુટીઓ દૂર કરવા આપશે સૂચનાઓ

લોકસભા 2019ની ચૂંટણીમાં ફરીએકવાર ગુજરાતની તમામ 26 બેઠક પર વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નરેન્દ્ર મોદીની વધતી જતી ગુજરાતની મુલાકાતો ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન દ્વારા સંગઠન અને સરકારમાં રહી ગયેલી ત્રુટીઓ દૂર કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ ગુજરાત ભાજપના નેતાઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.

મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ બેઠકમાં રહેશે હાજર

આજે દિલ્હીમાં અમિત શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠક માટે તેડું આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડનગર કારોબારી છોડીને દિલ્હી જવા રવાના થયા હતા. જ્યાં વાઘાણીના વડપણ હેઠળ અમિતશાહ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભીખુભાઈ દલસાણીયા, મનસુખ માંડવીયા, આઈ.કે.જાડેજા, ગણપત વસાવા, ભરતસિંહ પરમાર, જીતુ વાઘાણી સહિત કમિટીના સદસ્યો ઉપસ્થિત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker