કોરોના કાળમાં ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અનેક બોગસ ડોક્ટરો ફૂટી નિકળ્યા છે. આ પ્રકારના લોકો રૂરલ વિસ્તારમાં પોતાની હાટડી ખોલીને બેસી જાય છે અને એવી જગ્યાઓ કે જ્યાં ભોળા માણસો આ ધૂતારાઓની જાળમાં ફસાઈ જાય છે.
આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં રાજયમાંથી એક, બે નહીં બલ્કે 53 બોગસ ડોકટરોને પકડી પાડીને તેમની સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આના પરથી હવે પ્રજાએ સાવચેત થવાની જરૂર છે.
હાલમાં કોરોનાની મહામારીના વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં મોટી હોસ્પિટલો ન હોય ત્યાં અમુક લેભાગૂ તત્વો દ્વારા તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. આ પ્રકારના બોગસ ડોકટરો દ્વારા માન્ય તબીબી ડિગ્રી કે પ્રેકટીસ કરવાનો પરવાનો ન હોવા છતાં ગામડાંના લોકોને કોરોનાની સારવારના નામે તબીબી સારવાર આપવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
બાદમાં તબિયત બગડે ત્યારે દર્દીને અન્ય જગ્યાએ મોટી હોસ્પિટલોમાં રીફર કરીને દર્દીના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતાં હોવાની હકીકત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના ધ્યાન પર આવી હતી. જેથી તેમણે આ બાબતને ગંભીરતાથી લઇને રાજયમાં આવા બોગસ તબીબો શોધી કાઢવા માટે રાજયભરની પોલીસને આદેશ જારી કર્યો હતો.
જેના પગલે રાજયભરમાં પોલીસ દ્વારા નકલી ડોકટરોને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ ચાલુ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન 28મી મેના રોજ રાજકોટ શહેરમાંથી એક અને વડોદરા શહેરમાં એક એમ કુલ 2 બોગસ ડોકટરો પકડી પાડીને તેમની સામે ગુનો દાખલ કર્યા હતા. ત્યાં વળી તા.29 અને 30મીના રોજ આવા 18 બોગસ ડોકટરો પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં-4, પંચમહાલ જિલ્લામાં-4, વલસાડ જિલ્લામાં -9 અને મોરબી જિલ્લામાં -1 મળી આવ્યા હતા. આ તમામ બનાવો પૈકી મોટાભાગના બનાવોમાં આરોપીઓ પરપ્રાંતના વતની હોવાનો પર્દાફાશ થયો છે. તેઓ ગુજરાત બહારથી આવીને ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેકટીસ કરતા હતા. અને ગામડાંના લોકોને તબીબી સારવારના નામે એલોપેથી દવાઓ આપતા હતા.
પોલીસ દ્વારા રાજયભરમાંથી છેલ્લાં બે માસમાં એટલે કે 1-4-21થી 31-5-21 સુધીમાં કુલ 53 બોગસ ડોકટરો પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે કુલ 53 ગુનાઓ દાખલ કરીને 57 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ આવા બોગસ ડોકટરોને પકડવાની કાર્યવાહી અને તપાસ ચાલુ હોવાનું રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું છે.