સુરતમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ

ગાંધીના ગુજરાતમાં હવે મહિલાઓ અને યુવતીઓ તો સેફ નથી પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે તેનાથી સિદ્ધ થાય છે કે, ગુજરાતમાં હવે નાનકડી ફૂલ જેવી બાળકીઓ પણ સુરક્ષિત નથી. આવો જ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં ગરીબ પરિવારની એક નાનકડી 3 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ થયું છે.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા, અડાજણ-પાલ ગૌરવ પથ પર આવેલ નવનિર્મિત બાંધકામ સાઇટ આવે છે. આ સાઈટ પર ગરીબ મજૂર પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર રહેતા શ્રામિક પરિવારની બાળકી બપોરે ગુમ થયા બાદ સાંજે બાજુની બિલ્ડિંગની છત પર લોહીલુહાણ હાલતમાં મળેલી બાળકીને બિલ્ડિંગના જ વોચમેને પીંખી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાળકીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે શંકાના આધારે વોચમેનને ડબોચી લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી અને ગુજરાન ચલાવતા આ શ્રમિક પરિવારની દિકરી ગઈકાલે બપોરે 2 વાગ્યે ગુમ થઈ હતી. પરિવારે દિકરી ગુમ થયાની જાણ થતા ત્રણથી ચાર કલાક તેની શોધખોળ કરી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બાંધકામ સાઈટ પરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. જેમાં એક સિક્યુરિટી ગાર્ડ બાળકીને લઈ જતો દેખાયો હતો.

પોલીસે સીસીટીવી કેમેરા થકી બાળકી બાજુની બિલ્ડિંગમાં જઇ રહી હોવાનું શોધી કાઢયું હતું અને પછી તે દિશામાં તપાસ શરૂ કરતા બિલ્ડિંગના ટેરેસ પરથી લોહીલુહાણ હાલતમાં બાળકી મળી આવી હતી. દુષ્કર્મનો શિકાર બનેલી માસૂમ બાળકીને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે. સમગ્ર ઘટનાને કારણે કન્સ્ટ્રક્શન સાઇટ અને આસપાસની બિલ્ડિંગમાં હાજર લોકો હેબતાઇ ગયા હતા.

સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સિક્યુરીટી ગાર્ડને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સિક્યુરિટી ગાર્ડનું નામ શિવનારાયણ જયરાજ સિંહ છે અને તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.

Scroll to Top