અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર સ્થિત સીઝન 9 રેસ્ટોરન્ટમાંથી આવેલા પનીર બટર મસાલામાંથી 5 ઇંચ જેટલો જૂનો ફર્નીચરના લાકડાંનો ટૂકડો નીકળ્યો હોવાના આક્ષેપ કરતી ફરિયાદ ઉઠી છે. આ અંગે ગ્રાહકની ફરિયાદના આધારે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ સંસ્થા દ્વારા રાજયના ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર તેમજ અમદાવાદના ખોરાક અને આષધ નિયમન તંત્ર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.
ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા રાજય તથા અમદાવાદના ખોરાક અને આષધ નિયમન તંત્રના કમિશનર સમક્ષ કરેલી ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, ઝોમેટો ઓનલાઇન ડીલેવરી એપ દ્વારા તા.21મી જૂનના રોજ ફરિયાદી ગ્રાહકે અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર ક્રોસ રોડ સામે સીઝન 9 રેસ્ટોરન્ટમાંથી પનીર બટર મસાલા ઓર્ડર આપ્યો હતો. તેના રૂપિયા 161 રૂપિયા બિલ ઓનલાઇન ચુકવ્યું હતું.
ગ્રાહકના આશ્ચર્ય વચ્ચે શાકભાજીમાંથી જૂના ફર્નીચરનો લાકડાંનો ટુકડો નીકળ્યો હતો.જેની લંબાઇ 2 ઇંચ અને પહોળાઇ 5 ઇંચ જેટલો મોટો હતો. ગ્રાહક જાગ્રુત હોવાથી તાત્કાલિક ફોટા પાડી અને રેસ્ટોરન્ટમાં ફોન કરીને જાણ કરી હતી. અને પુરાવા સાથે વોટસએપ પર ફરિયાદ કરી હતી.
આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફલાઇંગ સ્કવોર્ડના આરોગ્ય અધિકારી રાકેશ ગામિતને મોબાઇલ કરી જાણ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રભાઇ પટેલને પણ ફોન પર જાણ કરવામાં આવી હતી. તેમની માંગણી મુજબ લેખિત ફરિયાદ પણ તેમને મોકલવામાં આવી છે. આ અંગે તેમણે સોમવારે તપાસ કરીને પગલાં ભરવા જણાવ્યું છે.
વધુમાં પાલે જણાવ્યું છે કે, ગુજરાતની અનેક હોટલ- રેસ્ટોરન્ટમાં વાસી અને નિમ્નકક્ષાનો સડેલો ખોરાક વેચાય છે. હોટેલ- રેસ્ટોરન્ટમાંથી ઓનલાઇન હોમ ડીલેવરી ખાદ્ય પદાર્થ ફ્રેશ અને શુધ્ધ નહીં હોવાની અનેક ફરિયાદો સામે આવે છે. ઓનલાઇન હોમ ડીલેવરીમાં ખાદ્ય પદાર્થમાં વંદા, ગરોળી, પીન, વાળ, લાકડાંના ટૂકડા મળવાની ફરિયાદો હોય છે. આમ ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થાય છે. જેથી સરકારી તંત્રએ તાત્કાલિક ઉગ્ર ઝુંબેશ ઉપાડીને કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે વધુમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 વાસ્તવમાં કાગળ પર રહી ગયો હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, ગ્રાહકોના જાહેર હિત માટે તમામ ભેળસેળિયા અને નફાખોરી આચરવા સડેલો અને વાસી ખોરાક પધરાવનારા લેભાગુ તત્વો સામે કડક પગલાં ભરવા જોઇએ.