કોરોના મહામારીની બીજી લહેર હજી શાંત થઈ નથી ત્યાં જ ત્રીજી લહેરની આશંકાઓ તેજ થઈ ગઈ છે. સરકારે તમામ લોકોને કમ્પલ્સરી વેક્સિન લગાવવા માટે કહ્યું છે. હવે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વેક્સિન લગાવી શકશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલેયે મહિલાઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વેક્સિન કેટલી સુરક્ષીત છે તે મામલે પણ જાણકારી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમમાં વેક્સિન લગાવવાને લઈને ગર્ભવતી મહિલાઓની ચિંતા દૂર થઈ ગઈ છે.
સરકાર તરફથી જણાવાયું છે કે તમામ ગર્ભવતી મહિલાઓએ પણ અન્ય લોકોની જેમ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેઓ કોવિડ-19 રજિસ્ટ્રેશન સેન્ટર પર જઈને રજિસ્ટર કરાવી શકે છે. અત્રે જણાવવાનું કે સરકાર તરફથી નિરંતર કોરોના રસી પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સતત મહિલાઓ સંબંધિત શંકાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં ડિલિવરી બાદ મહિલાઓને કોરોના રસી લેવા રાહ ન જોવાની સલાહ પણ આપવામાં આવી છે એટલે કે ડિલિવરી બાદ મહિલા ગમે ત્યારે રસી મૂકાવી શકે છે. હવે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગર્ભવતી મહિલાઓ પણ રસી મૂકાવી શકે છે.
શાં માટે ગર્ભવતી મહિલાઓ લેવી જોઈએ વેક્સિન
નવી ગાઈડલાઈન્સ અનુસાર, ગર્ભવતી મહિલાઓમાં કોરોના સંક્રમણના લક્ષણ શરૂઆતી દિવસોમાં સામાન્ય હોય છે પરંતુ કેટલાય કેસમાં જોવા મળ્યું છે કે, આના કારણે તેમની તબિયત અચાનક બગડી જાય છે અને તેની અસર તેમના ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. એટલા માટે જરૂરી છે કે, ગર્ભવતી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.
ગર્ભમાં રહેલા બાળકને કેવી રીતે પ્રભાવીત કરે છે વાયરસ?
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, 95 ટકાથી વધારે કેસોમાં કોરોના પોઝિટિવ માતાઓના બાળકોનું સ્વાસ્થ્ય જન્મના સમયે સારું રહ્યુ છે. પરંતુ કેટલાક મામલાઓમાં દેખાયું છે કે, ગર્ભાવસ્થામાં કોરોના સંક્રમણના કારણે પ્રી-મેચ્યોર ડિલીવરીની સ્થિતિ બને છે. આવા સમયે બાળકોનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું થઈ જાય છે અને જન્મ પહેલા જ એટલે ગર્ભમાં જ બાળકનો જીવ જઈ શકે છે.