ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે , વિવિધ સ્તર પર હંમેશા કાર્યરત હોય છે. આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, તાજેતરમાં જીટીયુ અને પૂનાના ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. જીટીયુના કુલપતિ અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર ક્ષિતિજ પાતુકુલેએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં હતાં.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , સમગ્ર વિશ્વમાં ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ સર્વશ્રેષ્ઠ છે. આપણા ઈતિહાસ, સંસ્કૃત્તિ અને વારસાને આવનારી પેઢી જાણી અને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે આ એમઓયુ કરવામાં આવ્યાં છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે.
આ એમઓયુ થકી આગામી દિવસોમાં “ધરોહર” સેન્ટર અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્તપણે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે પ્રાચીન ભારતીય વિજ્ઞાન, પ્રાચીન ભારતીય યુનિવર્સિટીઓનો અભ્યાસ, વેદ, વૈદિક ગણીત અને વિજ્ઞાન, પ્રાચીન ભારતીય આર્ટસ – સંગીત, નૃત્ય, નાટક અને ચિત્રકામ, વેપાર અને વાણિજ્ય, આયુર્વેદ અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. રસ ધરાવતાં તેમજ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિધ્યાર્થીઓ આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે.
જીટીયુના કુલસચિવ ડૉ. કે . એન. ખેરે જીટીયુ ખાતે કાર્યરત સેન્ટર ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમ – ધરોહરના કો- ઓર્ડિનેટર મહેશ પંચાલ અને ડૉ. સારીકા શ્રીવાસ્તવને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.