ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો પર્દાફાશઃ અનેક લોકોના લાખો રૂપિયા લૂંટ્યા…

રાજ્યમાં અવાર-નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. હવે અંકલેશ્વરમાં લગ્નના સપના બતાવીને ઠગાઇ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેટ્રી મોની સાઇટ ઉપર એકાઉન્ટ બનાવી સંપર્ક બનાવ્યાં બાદ લગ્નની વાત કરી હતી. લગ્નની ગરજ અને યુવતીની મીઠી વાતોમાં ફસાઈ યુવકે 13 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યાં છે અંકલેશ્વર પોલીસે બંગાળથી યુવતીની ધરપકડ કરી છે.

અંકલેશ્વરમાં રહેતા અનેમૂળ પશ્ચિમ બંગાળના યુવક અમિતકુમાર સામંતનો બંગાળી મેટ્રી મોની સાઈટ પર યુવતી સુપ્રિયા તપન કુમાર મજમુદાર સાથે પરિચય થયો હતો. ઓનલાઇન બંનેએ વાતચીત બાદ લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કર્યું હતું. થોડો સમય બંનેએ એકબીજા સાથે ઓનલાઇન સંપર્ક રાખ્યો હતો. ટૂંક સમયમાં લગ્ન થશે તેવી લાગણી સાથે અમિત ખુશ રહેવા લાગ્યો હતો.

લગ્ન માટે વચનબદ્ધ થયા બાદ અચાનક સુપ્રિયા ઉપર કથિત આફતો આવવા લાગી હતી આ સમસ્યાઓ બાબતે અમિત તેનો ભાવિ પતિ હોવાનું યાદ અપાવી સુપ્રિયા સમસ્યાનો હલ આર્થિક મદદના નામે કઢાવવા લાગી હતી. એક દિવસ અચાનક સુપ્રિયાએ અમિતને મેસેજ કરી તેની માતા બાથરૂમમાં પડી ગઈ હોવાના દુઃ ખદ સમાચાર આપી માતાના સારવાર માટે આર્થિક મદદ માંગી હતી. પહેલીવાર 5000 રૂપિયાની નાની રકમ માંગતા અમિતે ખચકાટ વિના તરત બેન્ક ખાતામાં ટ્રાન્સફર આપ્યા હતા.

હજુ માંડ થોડો સમય વીત્યો ત્યાં સુપ્રિયાનો વધુ એક કોલ આવ્યો અને ચોધાર આંસુ સાથે મદદ માંગી ઓપરેશનરે માટે 25000 રૂપિયા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાં હતા. એક પછી એક સમસ્યાઓ આવતી ગઈ અને અમિત તેની ભાવિ પત્નીના દુઃખને હળવા કરવાના આશયથી મદદ કરતો રહ્યો હતો. ભેજાબાજ યુવતીએ અમિત પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નીત નવા બહાના હેઠળ અંદાજીત કુલ 13.79 લાખ પડાવી લીધા હતા.

અમિત દ્વારા તેને લગ્નની તારીખ નક્કી કરવા પુછવામાં આવતા સુપ્રિયાએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતું. સમય જતા અમિતને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. ભેજાબાજ યુવતી સુપ્રિયા મજમુદારની બંગાળથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Scroll to Top