કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં મોટું નુકસાનઃ એક મહત્વના નેતા ટીએમસીમાં જોડાયા

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી આજે કોલકાતામાં ટીએમસીમાં જોડાયા છે. અભિજિત મુખર્જી વર્ષ 2012 અને 2014માં કોંગ્રેસની ટિકિટ પર બંગાળની જંગપીપુર લોકસભા બેઠક પરથી બે વાર સાંસદ ચૂંટાયા હતા. વર્ષ 2019માં પણ કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ તે જીતવામાં સફળ થઈ શક્યા ન હતા.

થોડા દિવસ પહેલા અભિજીતે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા.

ટીએમસી જોઇન કર્યા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં લેફ્ટ અને વામ મોરચા સાથે જોડાણના મુદ્દે કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિજિત મુખર્જીનો મત અલગ હતો. પક્ષની હાર બાદ તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે જોડાણ કર્યા વગર ચૂંટણી લડત તો પાર્ટીનો વોટ શેર વધ્યો હોત.

તેમણે કહ્યું, જો પાર્ટી એકલી ચૂંટણી લડી હોત, તો કોંગ્રેસની મત ટકાવારી વધી હોત. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. આમ છતાં, મતની ટકાવારીમાં વધારો થવાનો મતલબ બેઠકોમાં વધારો થવો જરૂરી નથી. અભિજીત મુખર્જીએ ટીએમસીમાં જોડાવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પોતાની જમીન ગુમાવી રહી છે અને રાજ્યમાં નેતૃત્વની જવાબદારી અધિ રંજન ચૌધરી પાસે છે.

અભિજીત મુખર્જીએ કહ્યુ કે, પ્રાથમિક સભ્ય સિવાય કોંગ્રેસ પાર્ટીના કોઈ સમૂહમાં મને સામેલ કરવામાં ન આવ્યા અને કોઈ પદ આપવામાં આવ્યું નહીં. તેથી હું એક સૈનિકના રૂપમાં ટીએમસીમાં સામેલ થયો છું. હું પાર્ટીના આદેશો પ્રમાણે કામ કરીશ. અખંડતા અને ધર્મનિરપેક્ષતાને બનાવી રાખવા માટે કામ કરીશ.

Scroll to Top