સિંહનું ઠેકાણુ જંગલ છે પણ અવાર નવાર સિંહ રસ્તો બદલીને રસ્તા પર ફરતા જોવા મળતા હોય છે. રાજુલા-પીપાવાવ રોડ પર એક સાથે પાંચ સિંહ રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. રસ્તા પર ચાલતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજુલા-પીપાવાવ હાઇવે પર અચાનક એક સાથે પાંચ સિંહ રાતના સમયે ફરતા જોવા મળ્યા હતા. કોરોનાને કારણે હાઇવે પર રાતના સમયે લોકોની અવર જવર ઓછી જોવા મળે છે જેને કારણે સિંહ હાઇવે પર ફરતા જોવા મળે છે.
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સિંહના મેટિંગનો સમય ચાલી રહ્યો છે. એવામાં તે જંગલ છોડીને રસ્તા પર આવી જાય છે પરંતુ તે હાઇવે પર જોવા મળે તે ઘણુ ઓછુ જોવા મળે છે. મેટિંગ સમયે સિંહનો વ્યવહાર ઘણો ખતરનાક થઇ જાય છે. અમરેલીમાં સિંહની સંખ્યા 400થી વધુ થઇ ગઇ છે, એવામાં શિકારની કમી જોવા મળે છે ત્યારે સિંહ અવાર નવાર ગામડાઓમાં ઘુસીને ઘરેલુ પશુનો શિકાર કરી પોતાની ભૂખને શાંત કરે છે.