બોલીવુડના દિગ્ગજ “દિલીપ કુમારનું” નિધન: વડાપ્રધાન મોદી સહિત અનેક લોકોએ આપી શ્રદ્ધાંજલી

બોલીવુડના દિગ્ગજ અભીનેતા દિલીપ કુમારનું આજે 98 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી બોલીવુડના એક અદભૂત યુગનો અંત થઈ ગયો છે. આજે સવારે આશરે 7.30 વાગ્યે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમાર લાંબા સમયથી બિમાર હતા. છેલ્લા 1 મહિનામાં તેઓ 2 વાર હોસ્પિટલમાં એડમીટ થયા હતા.

તેમને આજે સાંજે જુહૂના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યું છે કે, ‘દિલીપ કુમારજીને એક સિનેમાઈ લીજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અસામાન્ય પ્રતિભા મળી હતી, જેના કારણે તેમણે અનેક પેઢીઓના દર્શકોને રોમાંચિત કર્યા. તેમનું જવું આપણી સાંસ્કૃતિક દુનિયા માટે એક નુકસાન છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના.’

પીએમ મોદીએ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોને ફોન કરીને સાંત્વના પાઠવી. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘દિલીપ કુમારે ભારતીય સિનેમા માટે જે કર્યું છે તેને આવનારી પેઢીઓ યાદ રાખશે.’ આ બે પ્રમુખ નેતાઓ ઉપરાંત રાજકીય જગતની અનેક હસ્તીઓએ બોલીવુડના ‘મુગલ-એ-આઝમ’ના નિધન પર શોક વ્યક્ત કર્યો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખ્યું કે, ‘તેમની અદાકારીનો અંદાજ અનેક પેઢીઓ સુધી ફિલ્મ પ્રેમીઓ પર છવાયેલો રહેશે.’ NCP પ્રમુખ શરદ પવારે લખ્યું કે, ‘દિલીપ કુમારના રૂપમાં આપણે એક લીજેન્ડ ગુમાવ્યા છે.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે દિલીપકુમારે પોતાની જાતને ઉભરતા ભારતના ઈતિહાસને સંક્ષેપ્તમાં પ્રસ્તુત કર્યા. તેમના નાટકીય આકર્ષણે તમામ સરહદો પાર કરી અને સમગ્ર ઉપમહાદ્વીપમાં પ્રેમ મેળવ્યો. તેમના નિધનથી એક યુગનો અંત થયો. દિલીપસાહેબ ભારતના દિલમાં હંમેશા જીવિત રહેશે. પરિવાર અને અગણિત પ્રશંસકો પ્રત્યે સંવેદના.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટર પર લખ્યું ‘#TragedyKing તરીકે વિખ્યાત દિલીપકુમારજી સ્વયંમાં અભિનયની એક શાળા હતા. સોનેરી પડદે અલગ અલગ ભૂમિકાઓને જીવંતતા પ્રદાન કરીને તેમણે સમાજને એક સકારાત્મક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો. તેમનું નિધન વિશ્વ સિનેમા માટે અપૂરણીય ખોટ છે. શોક મગ્ન પરિજનો પ્રત્યે સંવેદનાઓ.

Scroll to Top