પુલવામામાં સેનાને મળી મોટી સફળતાઃ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 4 આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના પુચલ વિસ્તારમાં બુધવાર અને ગુરૂવારે રાત્રે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા બે આતંકવાદી માર્યા ગયા છે. બીજી તરફ પુલવામામાં જ એક અન્ય અથડામણમાં વધુ બે આતંકી ઠાર થયા છે.

પોલીસ અનુસાર, કુલગામના જોદાર વિસ્તારમાં કુલગામ પોલીસ અને 1RR સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યુ કે અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ આતંકીઓને સરેન્ડર કરવાની કેટલીક તક આપી હતી પરંતુ આતંકીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવતુ હતું, જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પોલીસ અનુસાર આતંકવાદીઓના છુપાયા હોવાની સૂચનાના આધાર પર આ સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું. છુપાયેલા આતંકીઓ તરફથી ગોળીબારી બાદ સુરક્ષાદળોએ બે અલગ-અલગ જગ્યાએ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં આતંકીઓને ઠાર માર્યા હતા. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકાના પગલે તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

બીજી તરફ LoC પર તૈનાત ભારતીય સેનાએ ઘૂષણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. રાજૌરી સેક્ટરમાં પણ નિયંત્રણ રેખા પાસે સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર, આતંકી એલઓસી પાસેથી ઘૂષણખોરીની ફિરાકમાં હતા. અથડામણમાં બે સૈનિક પણ ઘાયલ થયા છે.

Scroll to Top