અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર કર્ફ્યૂના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે. પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહિ આવે ત્યાં સુધી બંધ રહેશે.
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. રથયાત્રા કેવી રીતે કાઢવી એના માટે રાજ્ય સરકાર સમક્ષ જુદા જુદા લેખિત અને મૌખિક રજૂઆતો આવી હતી. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી હોમ અને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ સમગ્ર અભ્યાસ કરીને સીએમ વિજય રૂપાણી સમક્ષ કોર કમિટીની અંદર તમામ મુદ્દાઓ અને પાસાઓ મુકવામાં આવ્યા હતા.
અમદાવાદની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા છે તેમાં સવારે દેશના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીની અંદર ઉપસ્થિત રહીને વર્ષોની પરંપરા અનુસાર હાજર રહેશે. અને સવારે રથના પ્રસ્થાનની પહિંદ વિધિ સીએમ વિજય રૂપાણી અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરી અને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે. આ જે ચિંતા કરી રહ્યા છે તેનું કારણ બીજી કોરોનાની લહેરનો આપણને અનુભવ છે અને સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરું આયોજન કરી રહ્યું છે.
તેમાં આના કારણે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે આ પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે. લોકોને હું વિનંતી કરું છું કે રથયાત્રાના દૂરદર્શન દ્વારા લાઈવ કવરેજ કરવામાં આવનાર છે. જેથી કરીને જુદી જુદી પોળોમાં લોકો એકત્રિત થતાં હોય છે, સમૂહ ભોજન કરતાં હોય છે. તેવામાં કોરોના પ્રોટોકોલ હેઠળ જે પરવાનગી આપી છે તેમાં કોઈએ રોડ પર આવીને દર્શન કરવાના નથી અને ટીવી ચેનલના લાઈવ કવરેજના માધ્યમથી દર્શન કરવાના છે.
રૂટ પર રહેતા લોકો ઘરે મહેમાનોને બોલાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રામાં માત્ર 5 વાહન જ ઉપસ્થિત રહેશે. ખલાસીઓનો 48 કલાક પહેલાં RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ. જ્યારે જેને પણ વેક્સિનના બે ડોઝ લીધા હશે તે ખલાસીઓને અગ્રિમતા આપવામાં આવશે. એક ડોઝ લેવો ફરજિયાત છે..
આ સિવાય અમદાવાદમાં જ્યારે રથયાત્રા નિકળશે ત્યારે, રથયાત્રા રૂટ પર આવતા ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ રહેશે.