ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચારઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

છેલ્લા એક અઠવાડિયાથી હાથતાળી આપતા મેઘરાજા ગુજરાત પર ફરી મહેરબાન થયા છે. હજુ આગામી 4 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ આગામી 4 દિવસમાં વરસાદ થવાની શક્યતા છે.

12મી જૂન પછી રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પારડી અને અમરેલી તાલુકામાં 2 ઈંચથી વધુ જયારે વાપી, ઉમરગામ, સાવરકુંડલા અને ચોટીલામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 14.84 ટકા વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં પણ બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો આજે બાવળામાં પણ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે વરસાદ પડ્યો હતો.

Scroll to Top