છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમીથી કંટાળી ગયેલા લોકોને આજે વરસાદ થતા હાંશકારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક શહેરો અને જિલ્લાઓમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય હતુ તે ફરી એકવાર સક્રિય તઇ ચુક્યું છે. તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદની વાત કરીએ તો… અમદાવાદના એસ.જી.હાઈવે, બોડકદે, થલતેજ, સોલા, ગોતા, અખબાર નગર, નિર્ણય નગર, રાણીપમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ મેઘાણીનગર, મેમકો, બાપુનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. ત્યારે રથયાત્રા પૂર્વે જ અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયું છે. કહેવાય છે કે,રથયાત્રા પૂર્વે વરસાદ આવવો એ શુભ માનવામાં આવે છે.
ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયાં બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે આગામી બે-ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થશે. હજુ બે દિવસ વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે.