દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે.

Scroll to Top