લાંબા સમયથી ચાહકો આતુરતાથી ટોક્યો ઓલિમ્પિક્સની રાહ જોતા હતા. 23 જુલાઈથી ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત થતાં જ ખેલાડીઓએ રમતોના આ મહાકુંભમાં તેમની પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે ભારતને કોઈ સફળતા મળી ન હતી પરંતુ શનિવારે ભારતે ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ સિલ્વર મેડલ હતો. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ભારત માટે આ સિધ્ધિ સફળ કરી છે.
મીરાબાઈ ચાનુની આ સિધ્ધિથી આખા દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક દિગ્ગજ નેતાઓએ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા હતા. દેશને ગૌરવ અપાવનાર મીરાબાઈ ચાનુએ વિજય બાદ ઇન્ટરવ્યુમાં પીત્ઝા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઓલિમ્પિક્સની તૈયારીને લીધે મીરાબાઈ ચાનુ ખાણી-પીણીની ખૂબ કાળજી લેતી હતી. આ દરમિયાન તેમણે સલાડ અને સાદા ખોરાક પર ભાર મૂક્યો.
આ જીત બાદ હવે મીરાબાઈ ચાનુને ડોમિનોઝ ઈન્ડિયા તરફથી ખાસ ગિફ્ટ મળી છે. મલ્ટિનેશનલ પિઝા કંપની ડોમિનોઝ ઈન્ડિયાએ મીરાબાઈ ચાનુને આજીવન મફત પીઝા આપવાની જાહેરાત કરી છે. તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને ડોમિનોઝે આ માહિતી શેર કરી છે. ખરેખર ડોમિનોઝનું આ ટ્વીટ એક યૂજ્સના જવાબમાં આવ્યું છે.
ડોમિનોએ ટ્વીટ કર્યું છે કે, ‘તેમણે કહ્યું અને અમે તે સાંભળ્યું. અમે ક્યારેય નથી ઇચ્છતા કે મીરાબાઈ ચાનુ તેની પીત્ઝાની રાહ જોવે. તેથી જ અમે તેમને જીવનભર નિ:શુલ્ક ડોમિનોઝ પિઝા આપી રહ્યા છીએ. ‘કંપનીના આ નિર્ણયની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર લોકો આ માટે ડોમિનોઝનો આભાર માની રહ્યા છે. મીરાબાઇ પહેલા 2000 માં સિડની ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં કર્ણમ મલ્લેશ્વરીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી હતી. 21 વર્ષ બાદ હવે મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.