ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે શકમંદ આરોપીઓના થયેલા શંકાસ્પદ મોત મામલે પોલીસ દ્વારા બે પોલીસ અધિકારીઓ સહિત કુલ 4 પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. બે યુવાનોના પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાંથી શંકાસ્પદ હાલત માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ-કૉંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓએ ન્યાયિક તપાસની માગ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા ચાર પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રહેવાસી રવિ જાદવ અને સુનિલ પવાર નામના યુવકોને બાઈક ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે પોલીસ 19મી તારીખે ચીખલી પોલીસ સ્ટેશનમાં લાવી હતી. પોલીસે બંને શકમંદ આરોપીઓને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં રાખ્યા હતા. 21મી તારીખે સવારના સમયે કોમ્પ્યુટર રૂમના પંખામાં ગળે ફાંસો ખાઘેલી હાલતમાં બંને યુવકના મૃતદેહ મળી આવ્યાં હતા.
પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત થતા પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો પરિવારજનોની વ્હારે આવ્યા હતા. અને સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માગ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી. આ ઘટનાના વિરોધમાં સોમવારે ડાંગ બંધનું એલાન પણ આપવામા આવ્યું હતું.
આજે પણ ડાંગ ભાજપના ધારાસભ્ય અને અન્ય રાજકીય આગેવાનોએ મૃતકના પરિવારજનોને સાથે રાખી પોલીસ સાથે બેઠક યોજી હતી. જેમાં જે પરિવાર દ્વારા તેઓ તરફથી આપવામા આવેલી અરજીને જ ફરિયાદ ગણી કાર્યવાહી કરવાની માગ કરવામા આવી હતી. પોલીસે કાર્યવાહીની ખાતરી આપી હતી. બાદમાં ચાર પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.