રાજ્યમાં ચાલી રહેલાં તણાવો પર હવે ભાજપ-કોંગ્રેસે એકબીજા પર આરોપો ઠાલવવાનું શરૂ કર્યું છે, ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની પત્રચાર પરિષદમાં નીતિન પટેલ પર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેના જવાબમાં હવે ભાજપના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાસ્તવમાં કોંગ્રેસની છે, ભાજપની નહીં.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ભેદભાવની નીતિ અપનાલે છે તેવા ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના આક્ષેપોનો જવાબ આપતાં ચુડાસમાએ જણાવ્યું કે નીતિનભાઇ રાજ્યના તમામ સમાજના આગેવાન છે. તેઓ સૌને સાથે લઇને ચાલનારા પરિપકવ નેતા છે. વર્ગવિગ્રહ કરાવી તેઓ મુખ્યમંત્રી બનવા માગે છે તેના ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના આક્ષેપો સદંતર ખોટા અને પાયાવિહોણા છે. વાસ્તવમાં હિંસા કોણ ભડકાવે છે તે રાજ્યની જનતા જાણે છે. પોલીસ તપાસમાં જેમના નામ બહાર આવ્યા છે તે રાજ્યની જનતા જાણે છે.
પરપ્રાંતિય લોકોની રોજગારીના સંદર્ભમાં ચુડાસમાએ જણાવ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકને દેશના કોઇપણ રાજ્યમાં રોજગારી મેળવવાનો અધિકાર છે અને તે મુજબ વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં વધતા જતા ઉદ્યોગોના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળે છે તેમ રાજ્યોના લોકોને પણ તેની લાયકાતના આધઆરે સ્વાભાવિક રીતે જ રોજગાર મળે છે. આમાં પ્રાંતવાદને કોઇ અવકાશ નથી.
ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યમાં શાંતિ ડહોળાય તેવા પ્રયાસો અલ્પેશ ઠાકોર કરી રહ્યાં છે, 17 સપ્ટેમ્બરે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે અલ્પેશ ઠાકોરે યોજેલી બેરોજગારી સભામાં ઉચ્ચારેલા ઉશ્કેરીજનક વિધાનો અને ખાસ કરીને ગુજરાત બહારના લોકો વિશે કરેલી ટિકા-ટિપ્પણીઓએ જ ઉશ્કેરણી ફેલાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે.