અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ 18 મહિનાની બાળકીના પેટમાંથી 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ જટિલ સર્જરી દ્વારા દૂર કરી છે. 5 લાખે એક બાળકને જોવા મળતી ફિટ્સ ઇન ફીટુ સર્જરી હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કરીને સફળતા હાંસલ કરી છે.
મધ્યપ્રદેશના નીમુચ જિલ્લામાં રહેતા હર્ષીતભાઇ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 18 મહીનાના દીકરી વેદીકાની પેટમાં ગાંઠની તકલીફને લઇને મધ્યપ્રદેશની વિવિધ હોસ્પિટલમાં ધક્કા ખાઇ રહ્યા હતા. દીકરીનું પેટ અચાનક ફૂલી જવાથી તેણી અત્યંત વેદના સહન કરી રહી હતી. મધ્યપ્રદેશમાં વિવિધ રીપોર્ટસ કરાવતા દીકરીના ગર્ભમાં અવિકસીત ભ્રુણ હોવાનું નિદાન થયુ. આ ભ્રુણને દૂર કરવાની સર્જરી અત્યંત પડકારજનક અને જોખમી હોવાથી મધ્યપ્રદેશના તબીબો તૈયાર થયા નહીં. જેથી હર્ષીતભાઇની નિરાશામાં વધારો થયો.
તેવામાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા તેમના સગાએ ટ્વીટરના માધ્યમથી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આ પ્રકારની સર્જરી શક્ય હોવાનું જણાવતા તેમના પિતાએ સિવિલના તબીબનો ટ્વીટરના માધ્યમથી સપર્ક કર્યો અને સિવિલ હોસ્પિટલમાં દીકરી વેદીકાને લઇને આવી પહોંચ્યા.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા વેદિકાનું સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યું. જેમાં દોઢ વર્ષની વેદીકાના પેટમાં 400 ગ્રામનું અવિકસિત ભ્રુણ હોવાનું ચોક્કસ તારણ થયુ.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી પાસે આ પ્રકારની અત્યંત જટીલ સર્જરી કરવાનો અનુભવ હોવાથી તેમણે પોતાની ટીમ સાથે સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનું બીડુ ઉપાડ્યું.
બાળરોગ સર્જરી વિભાગના એસોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. તૃપ્તી શાહના સહયોગથી સમગ્ર સર્જરી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડીને આ ભ્રુણ દૂર કર્યું.
સર્જરીની વિગત આપતા ડૉ. રાકેશ જોષી કહે છે કે, 18 મહીનાની બાળકીના પેટમાં અવિકસીત ગર્ભ હોવાની 20 વર્ષની તબીબી કારકિર્દીમાં ત્રીજી ઘટના જોવા મળી છે. વિશ્વમાં 5 લાખ બાળકોએ એક બાળકમાં આ પ્રકારની અત્યંત જટીલ બીમારી થતી જોવા મળે છે. સર્જરી દરમિયાન ચોકસાઇ અને તકેદારી રાખવામાં ન આવે તો બાળકીની ધોરીનસ, જમણી કિડની, સ્વાદુપિંડ, યકૃત અને કિડનીના રક્ત સ્ત્રાવને નુકસાન પહોંચવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. આ તમામ બાબતોની સાવચેતી રાખીને સમગ્ર સર્જરી સફળાતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.