ગુજરાતમાં આગામી 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં જ જન્માષ્ટમી અને સાતમ-આઠમ સહિતના અનેક તહેવારો આવે છે અને શ્રાવણ મહિનાથી તહેવારોની શરૂઆત થાય છે. પરંતુ ભારતમાં જ્યારથી કોરોના વાયરસ આવ્યો ત્યારથી આપણે લોકો એકપણ તહેવાર સરખી રીતે મનાવી શક્યા નથી. એક સમય હતો કે જ્યારે જન્માષ્ટમી અને સાતમ-આઠમ જેવા તહેવારો હજારો લોકો એક સાથે એકત્ર થઈને આ તહેવારો ઉજવે છે.
પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારો ધામધૂમથી ઉજવાશે કે નહી તે અંગે અસમંજસ છે. ત્યારે આ મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી, પણ કોરોનાની દરેક ગાઈડલાનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. તહેવારો આવતા કોરોના કાળમાં ખાસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન અંગે કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવશે. કોરોનાની સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર અને જાહેર જગ્યાએ ભીડ ઓછી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યુંકે, શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો અંગે સરકાર જે પ્રકારની ગાઈડલાઈન નક્કી કરશે તેને અનુસરીને તહેવારની ઉજવણી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે અંગે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અને આગળ પણ કોરોનાના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. છૂટછાટ જરૂર આપવામાં આવી છે, પણ જરૂર જણાશે તો તહેવારો દરમિયાન કડક ગાઈડલાઈન પણ અમલી કરવામાં આવશે.