એક તરફ ઓલમ્પિકમાં કેટલાક ખેલાડીઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે. બીજી તરફ વડોદરામાં એક કરૂણાંતિકા સર્જાઈ છે. વડોદરાના આજવા રોડ પર યોગેશ્વર ટાઉનશિપમાં રહેતી 19 વર્ષીય જુડો પ્લેયર સાક્ષી રાવલનું મૃત્યુ થયું છે. આ દિકરી એક નેશનલ પ્લેયર હતી અને તેની ઈચ્છા હતી કે તે આવનારા સમયમાં ઈન્ડિયા માટે ઓલમ્પિક રમે. પરંતુ એ દિકરી પોતાનું આ સપનું સાકાર કરી શકે તે પહેલા જ કાળ તેને ભરખી ગયો.
હકીકતમાં આ દિકરીને થોડા દિવસો પહેલા તાવ આવ્યો હતો અને તબિયત વધારે ખરાબ હોવાના કારણે તેને વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે એ હોસ્પિટલમાં આ દિકરીની તબિયત વધારે લથડી એટલે તેને એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. પરંતુ આ દિકરીને મગજ પર તાવ ચડી જતા તેનું મોત થયું હતું.
સાક્ષીને ડેંગ્યુ થયો હતો. તેને હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવી હતી. પરંતુ તે હોસ્પિટલમાં તેની ટાઈફોઈડની સારવાર કરવામાં આવી હતી. ડોકટરોની નિષ્કાળજી અને મચ્છરજન્ય ડેન્ગ્યુથી જીવ ગુમાવ્યો હોવાનો આરોપ પરિવાર અને કોચ દ્વારા કરવામાં આવ્યો હતો. દિકરીની માતા ગાયત્રીબહેન રાવલે સાક્ષી એક વર્ષની હતી, ત્યારથી એકલ હાથે મોટી કરી હતી. કોન્ટ્રક્ટમાં નોકરી કરતા ગાયત્રીબહેનને દીકરી સાક્ષી ઓલિમ્પીકમાં રમે અને દેશનું નામ રોશન કરે તેવી ઇચ્છા હતી. પરંતુ, તાવ અને તબીબોની નિષ્કાળજીના કારણે એકની એક દીકરી સાક્ષીનું મોત નીપજતાં ગાયત્રીબહેનની ઈચ્છા અધૂરી રહી ગઈ છે.