સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા એક ચિંતાનો વિષય ઉભો થયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગો એવા છે કે જ્યાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ન આવવાના કારણે આવનારા સમયમાં પાણીની પારાવાર મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ડેમોના તળીયા લગભગ દેખાવા આવ્યા છે. કેટલીક નદીઓ તો એવી છે કે જેમાં પાણી જ નથી. ત્યારે ઓછો પડેલો વરસાદ આવનારા સમયમાં પાણીની મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમા વરસાદના ગંભીર પ્રશ્નને લઇ સામે આવતી પરિસ્થિતિ પર ચર્ચા થઇ હતી. આ મામલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી મુદ્દે મંત્રીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. કૃષિ મંત્રી, શિક્ષણમંત્રી, પાણી પુરવઠા મંત્રીને જવાબદારી સોંપાઇ છે.
કૃષિ મંત્રી આરસી ફળદુ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા પર પીવાના પાણીનો આધાર હોવાને કારણે સિંચાઈ માટે પાણી આપવું પણ મુશ્કેલ છે. જેથી સરકાર હવે કોઈ વૈકલ્પિક ઉકેલ વિચારી શકે છે. કેબિનેટના સીનિયર મંત્રીઓ શું કરી શકાય તેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરશે.
ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જ વરસાદ ખૂબ ઓછો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 538mm થવો જોઈએ. પરંતુ માત્ર 285mm વરસાદ થયો છે. એટલે કે 47 ટકા વરસાદની ઘટ છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય છે. જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયા બાદ મધ્યપ્રદેશ અને ત્યાર બાદ ઉત્તર ભારત તરફ આગળ વધ્યું જેના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ રહી છે.