અમદાવાદઃ ગરબા કાર્યક્રમ દરમિયાન ‘ચાર-ચાર બંગડી’ ફેમ કિંજલ દવેનો વિરોધ

અમદાવાદઃ ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતથી વિશ્વભરમાં પ્રસિદ્ધ બનેલી ગાયિકા કિંજલ દવેએ બુધવારે રાત્રે એક ગરબા કાર્યક્રમ દરમિયાન લોકરોષનો ભોગ બનવું પડ્યું હતું. નવરાત્રિના આયોજન દરમિયાન કિંજલ દવેના કાર્યક્રમમાં હોબાળો થયાનું ધ્યાનમાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સાયન્સ સીટી નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાં યોજવામાં આવેલા ગરબામાં સીંગર તરીકે કિંજલ દવે અને તેના ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હોબાળો થયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ નજીક રમી રહેલા ખેલૈયાઓને ખસેડવાનો આદેશ કરવામાં આવતા હોબાળો શરૂ થયો હતો.

જે બાદમાં ખેલૈયાઓએ વિરોધ કર્યો હતો. વાત ઉગ્ર બનતા બાઉન્સરો અને આયોજકોએ પરિસ્થિતિ સંભાળવી પડી હતી. ગરબાના કાર્યક્રમમાં થયેલી બબાલ બાદ સંચાલકોએ કાર્યક્રમ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ જાહેર કરી દીધો હતો. અમુક લોકોએ કિંજલ દવેની કારને પણ રોકી હતી. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાડે પાડ્યો હતો.

આઠમાં નોરતે 14 રોમિયો ઝડપાયા

નવરાત્રિ દરમિયાન છેડતીના બનાવો અટકાવવા માટે અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. જે અંતર્ગત ગરબાના સ્થળ પર અને રસ્તાઓ પર મહિલા પોલીસ કોન્સ્ટેબલોને પરંપરાગત વસ્ત્રોમાં તહેનાત રહે છે. આઠમાં નોરતા દરમિયાન મહિલા પોલીસે 10 જેટલા રોમિયોને પકડી પાડ્યા છે. આઠમાં દિવસે કુલ 14 રોમિયો પકડાયા હતા, જેમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ચાર રોમિયોને પકડ્યા હતા. અત્યાર સુધી નવરાત્રિ દરમિયાન અમદાવાદ પોલીસે કુલ 141 રોમિયોને ઝડપી પાડ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top