કોલકાતા: પ્રેમને કોઈ સીમાડા નથી નડતા, તેમ અમીરી-ગરીબીની મર્યાદા પણ નથી નડતી. કંઈક આવું જ બન્યું છે ટીંકુ અને કેથરિનની લવ સ્ટોરીમાં. નામ વાંચીને જ આપને આ લવ સ્ટોરી કંઈક અલગ જ હોવાનો અંદાજ આવી ગયો હશે. જેટલી તેમના નામમાં ભિન્નતા છે, તેટલો જ ભિન્ન તેમના પ્રેમમાં પડવાનો અને સાત જનમ સુધી એકબીજાનાં થઈ જવાનો કિસ્સો પણ છે.
કેનેડાની લાડી, બંગાળનો વર
પશ્ચિમ બંગાળના એક નાનકડા શહેર કાલનામાં રહેતા ટીંકુને સપને પણ અંદાજો નહોતો કે તેના લગ્ન એક કેનેડિયન છોકરી સાથે થશે. કેથરિન સાથે તેની મુલાકાત ઉત્તરાખંડમાં આવેલા એક યોગ ટ્રેનિંગ સેન્ટરમાં થઈ હતી, જ્યાં ટીંકુ અને કેથરિન એકબીજાનાં પ્રેમમાં પડ્યાં, અને બંગાળીઓના સૌથી મોટા તહેવાર એવા દુર્ગા પૂજામાં તેમણે લગ્ન કરી લીધા.
યોગ શીખવતા-શીખવતા થઈ ગયો પ્રેમ
કેથરિન પોતાની બહેન સાથે ગયા વર્ષે ભારત ફરવા આવી હતી. તે ઋષિકેશમાં આવેલા એક યોગ ટ્રેનિંગ કેમ્પમાં જોડાઈ હતી. આ કેમ્પમાં ટીંકુ યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો. કેથરિનને યોગ શીખવતા-શીખવતા ટીંકુ તેના પ્રેમમાં પડી ગયો, અને કેથરિન પણ તેના તરફ આકર્ષાઈ.
કાચા ઘરમાં રહે છે ટીંકુ
નવાઈની વાત એ છે કે, ટીંકુ એટલો ગરીબ છે કે તેની પાસે રહેવા પાકું ઘર પણ નથી. 2011માં હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેણે 2014માં યોગનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. તે ત્રણ મહિના હરિદ્વાર કયો અને રામદેવ આશ્રમમાં તેણે આટલો સમય વિતાવ્યો. આખરે ઋષિકેશમાં તેને એક યોગ કેન્દ્રમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ.
પહેલી નજરનો પ્રેમ
ટીંકુની પત્ની કેથરિન માસ્ટર ડિગ્રી સુધી ભણેલી છે, અને કેનેડામાં સ્કૂલ ટીચર છે. ટીંકુનું કહેવું છે કે તે કેથરિનને જોતા જ તેના પ્રેમમાં પડી ગયો હતો. જ્યારે કેથરિનનું કહેવું છે કે તેને ટીંકુ ખૂબ જ સારો માણસ લાગ્યો, અને તેના આ ગુણને લીધે જ તે તેને ખૂબ પસંદ હતો. તે ગત જાન્યુઆરીમાં ટીંકુના ઘરે આવી હતી, અને ત્યારે જ તેમણે દુર્ગા પૂજા વખતે પરણી જવાનું નક્કી કર્યું.
બંગાળી રિવાજથી કર્યા લગ્ન
કેથરિનના મા-બાપે પણ તેને ટીંકુ સાથે પરણવા પરવાનગી આપી દીધી. બંગાળી રિવાજ અનુસાર બંનેના લગ્ન થયા. હવે તો કેથરિને એક બંગાળી પરિણિતા જેવા જ કપડાં પહેરવાનું શરુ કરી દીધું છે. પોતાના નવા ઘરમાં તે ખૂબ જ ખુશ છે. તે બંગાળી પણ શીખી રહી છે. તે બંગાળી લખવાની પણ પ્રેક્ટિસ કરે છે.
વિદેશી વહુથી ખુશ છે સાસુ
ટીંકુની માતા પણ પોતાની વિદેશી વહુથી ખૂબ જ ખુશ છે. કેથરિન પણ દિલથી બંગાળી બની ચૂકી છે. તેને રસગુલ્લા અને બંગાળી સ્વીટ સંદેશ ખૂબ જ પસંદ છે. રોટી અને રિંગણનું શાક પણ તેના ફેવરિટ છે. નવદંપતી 15મી ઓક્ટોબરે કેનેડા જઈ રહ્યાં છે, અને થોડા દિવસ રોકાઈ તેઓ પરત ફરશે.